અમદાવાદ

કોમનવેલ્થ બાદ ઓલિમ્પિક પણ યોજાઈ શકે છે ગુજરાતમાં, સ્વિત્ઝર્લેન્ડમાં રાજ્ય સરકાર ખોલશે ઓફિસ

અમદાવાદઃ ગુજરાતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 2036માં ઓલિમ્પિક પણ રાજ્યમાં યોજાશે તેવો સરકારને વિશ્વાસ છે. જ અંતર્ગત રાજ્ય સરકાર સ્વિત્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલગથી ઓફિસ ખોલશે. 16 થી 20 ડિસેમ્બર સુધી નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમજ ટોચના અધિકારીઓ લુસાનાની મુલાકાત લેશે.

ઓલિમ્પિક યોજવા માટે પ્રેઝન્ટેશન આપશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત અને ભારત સરકાર વતી નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અધિકારીઓનું પ્રતિનિધિમંડળ ઓલિમ્પિક ફેડરેશન ઉપરાંત વિવિધ રમતોના એસોસિએશનોને મળીને રાજ્યમાં ઓલિમ્પિક યોજવા માટે પ્રેઝન્ટેશન આપશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આવતા સપ્તાહે અનેક બાબતો આવશે સામે

સૂત્રો અનુસાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સફળતા ઓલિમ્પિક રમતોના આયોજન માટે વધુ ઉજળી તક ઉભી કરશે. સરકાર માત્ર કોમનવેલ્થ માટે જ તૈયારી નથી કરતી પરંતુ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી આયોજન કરી રહી છે. આવતા સપ્તાહે લુસાનમાં યોજાનારી મીટિંગ દરમિયાન અનેક બાબતો સામે આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં ઓલિમ્પિક એસોસિએશનની મુખ્ય ઓફિસ આવેલી છે. અહીં જ ગુજરાત સરકાર પોતાની ઓફિસ ખોલી તેમાં કન્સલટન્ટની નિમણૂક કરશે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર અધિકારી કક્ષાના લોકોની પણ ભરતી કરાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ ઓફિસનો સૌથી મોટો ફાયદો ભવિષ્યમાં ઓલિમ્પિક એસોસિએશન સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન આ ઓફિસ મારફતે જ થશે.

થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવા માટે લાયક બનશે. તેમણે અમદાવાદમાં આયોજિત સંસદ ખેલ મહોત્સવમાં આ નિવેદન આપ્યું હતું. અમિત શાહે ઉપસ્થિતોને વધુ મોટા કાર્યક્રમો માટે તૈયારી કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે જ્યારે ભારત ઓલિમ્પિકનું આયોજન કરશે, ત્યારે ભારત મેડલ વિજેતા દેશોની ટોચના 5 યાદીમાં હશે. તેમણે સમજાવ્યું કે 2014માં રમતગમતનું બજેટ ₹800 કરોડ હતું, પરંતુ આગામી 11 વર્ષોમાં, તે 2025માં વધીને ₹4,000 કરોડ થઈ ગયું છે.

આપણ વાંચો:  નવા વર્ષે દારૂ પાર્ટી કરતા પહેલા થઈ જાવ સાવધાન, આ રીતે પોલીસ રાખી રહી છે નજર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button