આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરનારા મેડિકલ સ્ટુડન્ટનું પીજી રજિસ્ટ્રેશન વિવાદમાં

અમદાવાદઃ અમદાવાદમાં એક ફર્સ્ટ યર મેડિકલના સ્ટુડન્ટે આધારકાર્ડ સબમિટ કરવાનો વિરોધ કરતા મામલો વિવાદાસ્પદ બન્યો છે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા આધાર-આધારિત બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે પોતાનું આધાર કાર્ડ સબમિટ કરવાનો ઇનકાર કર્યા બાદ તેનું પીજી રજિસ્ટ્રેશન અટકાવી દેવામાં આવ્યું હોવાનો વિવાદ ઊભો થયો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. કોલેજ સંચાલકનો દાવો છે કે તેઓ આધાર-લિંક્ડ વેરિફિકેશન વિના તેમની હાજરી રેકોર્ડ કરી શકતા નથી. જોકે, વિદ્યાર્થીએ કાનૂની નોટિસ મોકલીને આ નિયમ સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: આધારકાર્ડમાં ફોટો અપડેટ કરાવવા બાબતે આવી મહત્ત્વની માહિતી…
એનએમસીએ મેડિકલ પ્રોફેસરો, શિક્ષણ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરો માટે આધાર-સક્ષમ બાયોમેટ્રિક હાજરી ફરજિયાત બનાવી છે, અને તમામ સંલગ્ન યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક (પીજી) નોંધણી માટે પણ આધાર ફરજિયાત બનાવ્યો છે.
કોલેજ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછલા શૈક્ષણિક વર્ષમાં જોડાયેલા વિદ્યાર્થીને વારંવાર તેની આધાર વિગતો આપવા માટે કહેવામાં આવ્યું હતું જેથી તેની હાજરી નેશનલ બાયોમેટ્રિક સિસ્ટમમાં રેકોર્ડ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે આધાર વિના, ઓનલાઈન હાજરી પોર્ટલ તેના દૈનિક રેકોર્ડ જનરેટ કરી શકતું નથી, પરિણામે તેની પીજી નોંધણી અટકાવી દેવામાં આવી છે.
યુનિવર્સિટીના સૂત્રોએ આ મામલે જણાવ્યું હતું કે આધારકાર્ડ ફરજિયાત છે. માટે આધાર ફરજિયાત છે, અને સંસ્થાઓએ એનએમસીના ધોરણોનું પાલન કરવાનું હોય છે. રજિસ્ટ્રેશન બંધ થયું હોવાથી આ વિદ્યાર્થીનું શૈક્ષણિક ભાવિ પણ ભયમાં છે. જોકે સામે પક્ષે વિદ્યાર્થીએ એનએમસી, તેની કૉલેજ અને અન્ય નિયમનકારી અધિકારીઓને કાનૂની નોટિસ ફટકારી હતી. વિદ્યાર્થીએ નોટિસમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર ચોકક્સ કિસ્સાઓમાં આધાર ફરજિયાત બનાવી શકાતું નથી. માત્ર આધાર ન સબમિટ કરવાથી રજિસ્ટ્રેશન કે અટેન્ડન્સ વગેરેને નકારી શકાતી નથી. વિદ્યાર્થીએ અન્ય વૈકલ્પિક પુરાવાને સ્વીકારવામાં આવે, તેવી માગણી કરી હતી.
નિષ્ણાતોના કહેવા અનુસાર આ મામલે કાનૂની સ્તરે વિચાર અને સ્પષ્ટતા જરૂરી છે.



