
અમદાવાદઃ અડાલજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા બર્થ ડે બોયની હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પર પહેલા પણ અનેક ગુના નોંધાયા હતા. લૂંટના ઇરાદે આવેલા સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમારે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારુએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.
પૂછપરછમાં થઈ શકે છે વધુ ખુલાસા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયકો કિલરને રાજકોટના માંડા ડુંગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમાર એક ખતરનાક અને સાયકો સ્વભાવનો ગુનેગાર છે. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આ મામલે પૂછપરછ કરી હતી. જેમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.
આરોપીએ અડધો કિલોમીટર સુધી પોલીસને દોડાવી
આરોપી વિપુલ પરમારને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 3 દિવસ સુધી રાતે કેનાલ પર સામાન્ય માણસની જેમ બાઇક અને સાયકલ પર ફરતી રહી હતી. જોકે આરોપી તેની બહેનના ઘરે રાજકોટ હોવાની શંકા લાગતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ જઈને આરોપીની ધરપકડ કરી હતી. ઇજાગ્રસ્ત યુવતીએ મોઢા પર નખ માર્યા તેનાથી ઓળખ કરી લીધી હતી.
આરોપી દૂરથી પોલીસને જોઈને ભાગી રહ્યો હતો. જોકે પોલીસે પહેલાથી જ આરોપીને પકડવા માટે પ્લાનિંગ કર્યું હોવાથી આરોપી ભાગવા લાગ્યો.આરોપીએ અડધો કિમી સુધી પોલીસને દોડાવ્યા હતા. જે બાદ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.આરોપીને પકડતા જ તેને મોઢા પરથી ઇજાના નિશાન પણ મળ્યા હતા. જેથી આ જ આરોપી હોવાનું પોલીસને જાણ થઈ હતી. પોલીસ વિપુલને લઈને અમદાવાદ પહોંચી હતી. આરોપીને કસ્ટડી અડાલજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આરોપીનો છે ગુનાહીત ઇતિહાસ
વિપુલ પરમાર જામીનમુક્ત થયો હતો. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
શું છે મામલો
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો.
આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.
આ પણ વાંચો…ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 15 ટીમો કામે લાગી; આ કુખ્યાત ગુનેગાર પર આશંકા