અમદાવાદઃ ગુજરાતના રોડ રસ્તાઓ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલગાય અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઇ જતાં તેમાં સવાર 4 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહીસાગરના બાલાસિનારના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર પલટી મારી જતાં ચારેય યુવકના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
ગઈકાલે રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં કુલ 6 લોકોના મૃત્યુ થયા હતા. પાટણના શંખેશ્વરના સરપંચ ડી કે ગઢવીનો પુત્ર દીક્ષિત ગઢવી તેના મિત્રો સાથે ઉત્તરાયણની પૂર્વે રાત્રે મિત્રના ખેતરમાં લીલાચણાની દાળ અને બાજરીના રોટલાની મિજબાની માણી કાર લઇ પરત ફરતા હતા. આ સમયે ગામના બસ સ્ટેન્ડ પાસે ચાલકે સંતુલન ગુમાવતા પલટી મારીને મંદિરના ગેટ પાસે ઉભેલી મીની લકઝરીને અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવમાં શંખેશ્વરના સરપંચ ડી કે ગઢવીનો પુત્ર દીક્ષિત ગઢવી તથા તેના મિત્ર બ્રિજેશ ડાભીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક્ટિવા પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. જામનગર પંથકમાં કાર પલટી જતાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. મળતી વિગત પ્રમાણે, ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક વહેલી સવારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ પણ વાંચો…કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતો સોપારીનો જથ્થો જામનગર (DRI)ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો