
અમદાવાદઃ બનાસકાંઠાના અમીરગઢ નજીક અમદાવાદથી રાજસ્થાન જતી એસટી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 તેમજ અન્ય વાહન દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
અમીરગઢ નજીક ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક અમદાવાદથી રાજસ્થાન જતી એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં અને 15 જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મૃતકોના મૃતદેહો બહાર કાઢવા માટે બોલેરો ગાડીના પતરા તોડવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં એસસી-એસટી-ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો દાવો
પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમીરગઢ પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને મૃતકોની ઓળખ હજુ બાકી છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવા કવાયત હાથ ધરી હતી.