અમદાવાદમાં કચરાની ગાડીનો કહેરઃ 8 વાહનને કચડ્યાં, એકનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક બાદ એક આઠ વાહનને કચડી નાખ્યા હતા. આ ગાડીએ એક્ટિવાચાલકને 30 ફૂટ ઢસડતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે થોડી વાર માટે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાબૂ થયેલી ગાડીએ પાંચથી છ રિક્ષા અને બે જેટલા ટૂ-વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટૂ-વ્હીલર પર રહેલા મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડ ગાડીની નીચે આવી ગયા હતા અને 30 ફૂટ જેટલા ઢસડાયા હતા.
આપણ વાંચો: Road Accident : બિહાર અને ઉત્તર પ્રદેશમાં બે અકસ્માતમાં આઠ લોકોના મોત
આ ઘટનામાં મોહમ્મદભાઈને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલકે ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો.જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ કહ્યું હતું કે ગાડીના ડ્રાઇવરને પકડ્યો ત્યારે બંને કાને હેન્ડ્સ ફ્રી લગાવેલા હતા. ગાડીનો ડ્રાઇવર આગળથી બેથી ત્રણ વાહનોને ટક્કર મારતો મારતો દવાની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં ગાડી ઊભી રહી ગઈ હતી. સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેને બે ત્રણ થપ્પડ માર્યાં હતાં. બીજા બેથી ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.