હડદડ વિવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસતા પહેલાં જ AAP નેતાઓ કાર્યાલય બહારથી અટકમાં

અમદાવાદ: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ‘કળદા પ્રથા’ના વિરોધમાં શરૂ થયેલો વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. કળદા પ્રથાના વિરોધમાં બોટાદ નજીકના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ‘કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બોટાદના હડદડ ગામના સંઘર્ષ બાદ આપના નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે તેના વિરોધમાં AAP નેતા પ્રવીણ રામે મોટી જાહેરાત કરી હતી. AAP નેતા પ્રવીણ રામ અને રાજૂ કરપડા ખેડૂતોની મુખ્ય માંગ સાથે 16 ઓક્ટોબરના રોજ સવારે 11:00 કલાકે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે આમરણ અનશન બેસવાના હતા. જો કે તેના પગલે આજ સવારથી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા કે તરત જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ત્યારબાદ આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હડદડ ગામમાં ખેડૂતો સાથે જે થયું એનાથી ગુજરાતની 54 લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીને માત્ર કળદો કરવામાં રસ છે. ખેડૂતો સૌપ્રથમ ભાજપના નેતાઓ પાસે ગયા, તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે ગયા પરંતુ આ પ્રથા બંધ થઈ નહિ. જ્યારે આ મુદ્દો અમારી પાસે આવ્યો ત્યારે આપના નેતાએ મુલાકાત લઈને જોયું ત્યારે ખબર પડી કે અનેક ખેડૂતોએ જોયું કે કોઈ અમારો અવાજ ઉઠાવવા આવ્યા છે.”
વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, “ભાજપ સામે જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે આ પ્રથા બંધ કરાવવાની જરૂર હતી અને એપીએમસીને બરખાસ્ત કરી દેવાની જરૂર હતી પરંતુ વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ ભાજપે ખેડૂતોને કચડી નાખવાનો આદેશ આપ્યો. આથી મહાપંચાયતની મંજૂરી ન આપવામાં આવી, પોલીસને તપાસ પડતી મુકાવી મહાપંચાયતમાં, આપના નેતાઓ અને ખડૂતોની પાછળ લગાવી દેવામાં આવી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આથી અમે હડદડ ગામે મહાપંચાયત ભરવાનું નક્કી કર્યું ત્યારે ખેડૂતોની ભીડ જોઈને સરકારે પોલીસ તમામ તૈયારીઓ સાથે આવે છે. તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ પ્રેરિત અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. લોકોને ઉશ્કેરવામાં આવ્યા અને લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને માર મારવામાં આવ્યો. તેનાથી ગુજરાતના ખેડૂતોમાં મેસેજ ગયો કે ભાજપ ખેડૂતો વિરોધી અને ઉદ્યોગપતિઓની પાર્ટી છે.”