ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં યુવક ચોરીને રવાડે ચડ્યો, આ રીતે ઝડપાયો | મુંબઈ સમાચાર
અમદાવાદ

ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં યુવક ચોરીને રવાડે ચડ્યો, આ રીતે ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં ચોરીના રવાડે ચડેલો યુવક ઝડપાયો હતો. ઝોન 3 એલસીબીની ટીમે કાલુપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ઝડપીને પાંચ ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયા બાદ ફરીથી રમવા માટે પૈસા એકઠાં કરવા તે ચોરીના રવાડે ચડ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, ડીસીપી ઝોન 3ના સ્કવોડનો સ્ટાફ કાલુપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે એક વિશાલ દેસાઈ નામના યુવકને રોકીને પૂછપરછ કરી બાઇકના કાગળ માંગવામાં આવ્યા હતા. તેની પાસેથી બાઇકના કાગળ મળી આવ્યા નહોતા. જેથી તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે અન્ય ચાર ટુ વ્હીલરની ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે તમામ વાહનો જપ્ત કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, વિશાલ દેસાઇને ઓનલાઇન ગેમીંગની આદત પડી ગઇ હતી. જેમાં તે નાણાં જીત્યા બાદ હારી ગયો હતો. પરંતુ, ગેમીંગની આદત હોવાને કારણે તેને નાણાંની જરૂર પડતા તે ટુ વ્હીલર ચોરી કરતો થયો હતો. તેણે બોપલ, વસ્ત્રાપુર, સરખેજ, બોડકદેવ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાંથી ટુ વ્હીલર ચોરી કર્યા હતા અને ગ્રાહકોની શોધમાં હતો. પરતુ, વેચાણ કરે તે પહેલા જ તે ઝડપાઇ ગયો હતો.

આરોપી પાસે રહેલી માસ્ટર કીથીબાઇકનું લોક ખોલવા માટેનો પ્રયત્ન કરતો હતો અને જો લોક ખુલી જાય તો તે ચોરી કરીને પલાયન થઇ જતો હતો. પોલીસે તેની પાસેથી 2.5 લાખની કિંમતના 5 ચોરીના બાઇક પણ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો…કેન્દ્રના પ્રતિબંધ બાદ રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનો પ્રથમ ગુનો નોંધાયો; ત્રણ આરોપીઓની ધરપકડ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button