સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છેઃ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

અમદાવાદઃ જો તમને સારું શિક્ષણ ન મળતું હોય, તમારી ટીનએજ મજૂરીમાં કે યાતનામાં જતી હોય તો તેમને આ ઉંમરે કંઈક ખોટું કરીને પણ જરૂરિયાતો કે મોજશોખ પૂરા કરવાની ભૂલ કરી શકે તો એકવાર સમજી શકાય, પરંતુ સારા ઘરના સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતી સગીરા મિત્રો સાથે ફરવા જવા માટે આવું પગલું ઉઠાવે ત્યારે ખરેખર ચિંતાનો વિષય બની જાય.
અમદાવાદમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. બે સગીરા, એક સગીર અને એક યુવક મુંબઈ અને ગોવા ફરવા જવાનો પ્લાન બનાવે છે અને આ માટે એક સારા ઘરની સગીરા પોતાના ઘરના દાગીના ચોરી તેને વેચી પૈસા ઊભા કરે છે. ચારેય જણ Goa ફરવા જાય છે. પોતાના નેટ વગેરે બંધ રાખે અને વાઈફાઈનો ઉપયોગ કરે છે.
આ બાજુ પરિવાર દીકરીઓની શોધખોળ કરે છે. બે સગીરાને શોધતી શોધતી પોલીસ એકના ઈન્સ્ટાગ્રામની મદદથી તેમના સુધી પહોંચે છે. તેમના મળ્યા બાદ ખબર પડે છે કે તે એક યુવક સાથે રિલેશનશિપમાં છે અને બે સગીરો એકબીજાને પસંદ કર છે. ચારેય અવારનવાર મળતા હતા, પરંતુ હવે તેમને લાંબો સમય ફરવા જવાનું મન થયું અને તેઓ ગોવા પહોંચી ગયા.
સરખેજ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ અનુસાર એક સગીરા ઘરના દાગીના ચોરીને ગઈ હતી. બધા ટેકનોસેવી હોવાથી ફોન બંધ રાખતા હતા, પરંતુ એકનું ઈન્સ્ટાગ્રામ અચાનક એક્ટિવ થતા પોલીસે તેમની ભાળ મેળવી અને તેમને શોધી કાઢ્યા.
પોલીસ અધિકારીએ હાલની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ જણાવ્યું હતું કે એક વર્ષમાં અમે 16 ટીનએજ છોકરીને આ રીતે ઘરે પાછી લાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 17-18 વર્ષના આ છોકરા-છોકરીને ખબર નથી કે કાયદાકીય રીતે તેમણે ગુનો કર્યો છે આથી તેમણે અને પરિવારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે યુવક હોવાથી કિડનેપિંગનો કેસ પણ બને છે.
આ પણ વાંચો…મહાશિવરાત્રી પર ઉમટશે શ્રદ્ધાળુઓનો મહેરામણ; મેળાને લઈ વહીવટી તંત્રની તૈયારી
જોકે એક સગીરાએ પાછું માતા-પિતા સાથે ન રહેવાનું કહેતા હાલમાં તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે. આ સાથે પોલીસે તે બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરી છે.
માતા-પિતાએ 10થી 20 વર્ષના બાળકો સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તવાની જરૂર હોય છે. ખાસ કરીને આજના સમયમાં સોશિયલ મીડિયાની અસર નીચે જીવતા તમારા સંતાનો સાથે સતત સંપર્કમાં રહેવું, તેમની સાથે લાગણીનો સંબંધ વધારે મજબૂત બનાવતા રહેવું અને એક મિત્રની જેમ વર્તવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા દીકરીઓ માટે જાસૂસ બની જતા હોય છે અને તેથી જ બળવાના ભાગરૂપે પણ દીકરીઓ ખોટા પગલાં ભરતી હોય છે, તેવું ઘણા મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ કહે છે.