અમદાવાદ

અમદાવાદમાં PSIની પત્નિએ ચાલુ કોર્ટે જજની બાજુમાં બેઠેલી ક્લાર્ક સાથે પતિને લફરું હોવાનો ધડાકો કર્યો

અમદાવાદ: ગ્રામ્ય કોર્ટમાં બનેલી એક ચોંકાવનારી અને હાઈવોલ્ટેજ ડ્રામા જેવી ઘટના અત્યારે સમગ્ર શહેરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. કોર્ટમાં સંકલન અધિકારી તરીકે ફરજ બજાવતા એક પીએસઆઈ (PSI) ની પત્નીએ ભરી કોર્ટમાં જજ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા હતા. પત્નીએ જજની બાજુમાં બેઠેલા મહિલા ક્લાર્ક તરફ આંગળી ચીંધીને આક્રોશ સાથે કહ્યું હતું કે, “જજ સાહેબ, તમારી બાજુમાં બેઠેલી આ મહિલા ક્લાર્કનું મારા પતિ સાથે લફરું છે અને તે મારું ઘર બગાડી રહી છે.” આ સાંભળીને કોર્ટ રૂમમાં હાજર વકીલો અને પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા.

ભરી કોર્ટમાં ‘પતિ, પત્ની ઓર વો’ ના આ કિસ્સામાં પીએસઆઈની પત્નીએ માત્ર મૌખિક આક્ષેપો જ નહીં, પરંતુ પુરાવા તરીકે કેટલાક ઓડિયો રેકોર્ડિંગ અને દસ્તાવેજો પણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના છ મહિના બાળક સાથે મહિલા અચાનક કોર્ટ રૂમમાં ધસી આવી હતી અને દાવો કર્યો હતો કે તેના પતિ અને બોર્ડ ક્લાર્ક વચ્ચેના અનૈતિક સંબંધોના કારણે તેનું સંસારિક જીવન બરબાદ થઈ રહ્યું છે. જોકે, કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચતા અને વાતાવરણ તંગ બનતા, અંતે મહિલાને કોર્ટ રૂમની બહાર કાઢી મૂકવામાં આવી હતી.

આ મામલે વધુ આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે મહિલાએ ન્યાયની માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી. તેણે અપીલ કરી હતી કે જો તેને આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરી લેશે અને મરતા પહેલા આ તમામ વિગતો સાથેની ચિઠ્ઠી પણ લખશે. કોર્ટ સંકુલમાં બનેલી આ ઘટનાને પગલે વહીવટી અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે અને હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

આપણ વાંચો:  જેદ્દાહથી સોનું લાવવા મહિલાઓને મળ્યું હતું 50 હજારનું કમિશન! ટ્રાવેલ એજન્ટ સહિત ટોળકીનો પર્દાફાશ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button