અમદાવાદના પોશ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ પડ્યો ભારે, લક્ઝરી બંગલા પર ફરી વળ્યું AMCનું બુલડોઝર!

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના પોશ પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંત ધારાના ભંગ બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એક લક્ઝરી બંગલાના ડિમોલિશનની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પ્રોપર્ટી ટ્રાન્સફરની કાયદેસરતા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને અગાઉ અપાયેલી કાયદેસરની નોટિસોનું પાલન ન થતા અંતે તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી. શાહે મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી હતી કે, અશાંત ધારા હેઠળ આવતા આ વિસ્તારમાં લઘુમતી સમુદાયના સભ્યો દ્વારા મિલકત ખરીદવી એ કાયદાનો ભંગ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસથી કોચરબ આશ્રમ વચ્ચેની આવી અનેક મિલકતો હાલ તપાસના દાયરામાં છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નૂતન સર્વોદય સોસાયટીના નવ જેટલા બંગલાઓ ગુજરાતના ગુટખાના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્તુફામિયા હુસૈનમિયા શેખ (મુસ્તુફા માણેકચંદ) દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આ મામલે વેસ્ટ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને સુનાવણી બાદ, અશાંત ધારાના ઉલ્લંઘન બદલ આ વેચાણ વ્યવહારને ગેરકાયદેસર અને રદબાતલ જાહેર કરવામાં આવ્યો હતો. કલેક્ટરના આદેશ મુજબ, આ મિલકતો છ મહિનાની અંદર મૂળ માલિકોને પરત સોંપવાની રહેશે. વધુમાં, જે સ્થાનિકોએ કાયદાનું ઉલ્લંઘન કરીને મુસ્તુફા શેખને પોતાના મકાનો વેચ્યા હતા, તેમણે મળેલી રકમ ખરીદનારને પરત કરવી પડશે.
આપણ વાંચો: ગાંધીધામમાં પિસ્ટલ સાથે યુવક પકડાતા ચકચાર: આવકવેરા કચેરી પાસે શું હતો મનસૂબો? પોલીસ તપાસ શરૂ



