સમાધાનના બહાને પરિવારને બહાર રોકી રાખી દાણીલીમડામાં મકાન તોડી પડાયું; ૮ લોકો સામે ફરિયાદ | મુંબઈ સમાચાર
અમદાવાદ

સમાધાનના બહાને પરિવારને બહાર રોકી રાખી દાણીલીમડામાં મકાન તોડી પડાયું; ૮ લોકો સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ બહેરામપુરાની એડવર્ડ બાગ ચાલીમાં રહેતા એક પરિવારની ફરિયાદના આધારે મોટો વિવાદ સામે આવ્યો છે. ૭૫ વર્ષથી વધુ સમયથી ભાડુઆતને સમાધાન માટે બોલાવીને પાછળથી તેમનું મકાન બિલ્ડર અને મિલકતના મૂળ માલિકોના વારસદારો દ્વારા બળજબરીપૂર્વક તોડી પાડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોર્ટમાં દાવો પેન્ડિંગ છતાં અતિક્રમણ

ફરિયાદની વિગતો અનુસાર, ઇસ્માઇલ નજીરખાન પઠાણ (ઉ.વ. ૫૦) નામના ફરિયાદીએ પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, તેમનું મકાન તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે પરિવારના સભ્યોને સમાધાનના બહાને ચાલીની બહાર બોલાવીને રોકી રાખવામાં આવ્યા હતા.

તેમના દાદા કરીમભાઇ બડેખાન પઠાણે આ મકાન સને ૧૯૫૦ માં ભાડા પર રાખ્યું હતું અને ત્યારથી તેમનો પરિવાર અહીં રહે છે. આ મિલકત પર ભાડુઆત તરીકેના કબજા અંગે સ્મોલકોઝ કોર્ટમાં દાવો પેન્ડિંગ છે. આ દાવા હેઠળ કોર્ટે ‘સ્ટેટસ ક્વો’ આદેશ આપેલો હતો, જે દર મુદતે લંબાવવામાં આવતો હતો અને તે સમયે પણ ચાલુ હતો. કોર્ટનો આદેશ હોવા છતાં, બિલ્ડર અબ્દુલ રજ્જાક હબીબખાન પઠાણ અને મૂળ માલિકોના વારસદાર ફૌજાન નઝમલભાઈ શેખ, અહેસાન નઝમલભાઈ શેખ સહિત બિલ્ડરના અન્ય પાંચ માણસોએ મળીને આ કૃત્ય કર્યું હોવાનો આરોપ છે.

સમાધાનના બહાને મકાન તોડી પડાયું

ફરિયાદી ઇસ્માઇલ પઠાણે ફરિયાદમાં જણાવ્યું કે, ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે પોણા છ વાગ્યાના સુમારે બિલ્ડર અબ્દુલ રજ્જાક પઠાણે સમાધાન કરવાના બહાને ઘરના સભ્યોને ચાલીની બહાર બોલાવ્યા. જ્યારે તેઓ ત્યાંથી જતા રહ્યા અને પરિવાર પાછો ફર્યો, ત્યારે અન્ય આરોપીઓએ તેમને ચાલીમાં પરત જતા અટકાવ્યા અને તે દરમિયાન રહેણાકનું મકાન બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું.

મકાન તોડી પાડવાના કારણે ઘરમાં રહેલ ફ્રીજ, ટીવી, તિજોરી, પલંગ, ગેસના બોટલ, વાસણો, સોફા, અનાજ સહિત જીવન જરૂરીયાતની વસ્તુઓ અને ઘર બહાર પડેલી બે સાયકલો મળીને આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પરિવારે સમાધાનની વાતચીતને કારણે તાત્કાલિક ફરિયાદ નહોતી કરી, પરંતુ નુકસાન ભરપાઈ ન થતા આખરે બિલ્ડર સહિત ૮ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હવે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો…દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ભીમરાણામાં 40 વર્ષથી ખડકી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરાયું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button