ગુજરાતમાં દેવદિવાળીના દિવસે જામશે મેળાનો માહોલઃ ચાર જગ્યાએ ભરાતા ભાતીગળ મેળાની જાણો ખાસિયતો

અમદાવાદ: મેળો એ માનવ હ્રદય અને ઉલ્લાસનું મહાપર્વ છે. માનવ જિંદગીમાં મેળાઓ નોખા જ રંગ ભરી આપે છે. ભલે માનવ મન દુઃખ,પીડા અને સંઘર્ષોથી ભર્યું હોય પરંતુ મેળો તેને સમૂળગું કાપી નાખે છે. મહા કવિ કાલિદાસ કહે છે તે મુજબ “ઉત્સવ પ્રિયા ખલુ માનવા:” મુજબ ભારતની અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ પણ મેળાઓથી ભરી છે. હમણાં જ નોરતા અને દિવાળીના પરબ ગયા છે ત્યાં હવે લીલી પરિક્રમા, કાર્તિક પૂર્ણિમાના મેળાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સોમનાથ, ઉત્તર ગુજરાતમાં શામળાજી અને સિદ્ધપુર, અમદાવાદમાં વૌઠા ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે.
સોમનાથનો કારતક પૂર્ણિમાનો મેળો
સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતામરના મેળાઓ કરતા જુદી ભાત પાડે છે. અરબી સમુદ્ર જેમના પગ પખાળે છે તેવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાંનિધ્યે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મંદિરના છેલ્લા નિર્માણ પછીથી અહીં કારતક માસની તેરસ, ચૌદસ અને પૂનમે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાય છે. સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતા આ પ્રદેશની પ્રજાનું આ એક મહામૂલું લોકપર્વ છે.
ઈ.સ. ૧૨૨માં રચાયેલી “સોમનાથ પ્રશસ્તિ’માં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યું. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું, શ્રીકૃષ્ણે લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું. આ પ્રાસાદ નાગરશૈલીમાં બંધાયેલો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભામંડપ અને નૃત્ય મંડપ પણ છે. મંદિરની એક ખાસિયત એ છે કે, કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બંને એક સિધી લીટીમાં આવી જાય છે, જાણે કે, ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ન ઉતર્યા હોય !
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સોમનાથનો લોકમેળો શરૂ થાય છે. મેળામાં ભળ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાનોમાં શ્રીકૃષ્ણ ગોલોકધામ (દેહોત્સર્ગ) ત્રિવેણી સંગમ, પ્રભાસ તીર્થ ભૌગોલિક તીર્થના દર્શન પણ થાય છે. મેળામાં પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

અરવલ્લીનો ગોદમાં શામળાજીનો મેળો
ગુજરાત અને રાજસ્થાનની સીમા રેખા પાસે મેશ્વો અને પીંગળા નદીના સંગમ સાન પાસે આશરે ૧૫૦૦ વર્ષ પહેલાંના અવશેષો ધરાવતી એક ભવ્ય નગરી તીર્થભૂમિ શામળાજી દર્શનીય સ્થળ છે, જ્યાં કારતક સુદ અગિયારસથી પુનમ સુધી શામળાજીનો મેળો ભરાય છે.શામળાજીનું મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ શામળાજીની આજુબાજુના વિસ્તારમાં સાંપડેલ અવશેષો ઉપરથી પુરાતત્વ ખાતાની દૃષ્ટિએ ૫૦૦ વર્ષ પહેલાં અહીં નગરો અસ્તિત્વમાં હોવો જોઈએ.
પૌરાણિક કથા પ્રમાણે સંવત ૧૭૨૮માં શામળાજી ઉપર આક્રમણ થયું. શામળાજીના મંદિરમાં લશ્કર પ્રવેશ્યું, મૂર્તિઓ તોડવા માંડી, અંદર દાખલ થઈને ગરુડજીનું નાક છૂંદયું કે એ સાથે જ ચમત્કાર સર્જાયો. ગરુડજીના છંદાયેલા નાકમાંથી અસંખ્ય ભમરા પ્રગટ્યા. લશ્કરના સૈનિકો ઉપર ભમરા તૂટી પડી તેમનાં અંગો ઊપર ચોરીને કામ દેવા વાગ્યા કાવની પીડાથી સૈનિકો ચિત્કારી ઉચ્ચા અને ચીસ પાડીને જીવ બચાવવા મંદિરમાંથી ભાગ્યા.
સૈન્યબળ વિહોણા આ રાજપૂતો અને ઠાકોરોએ તીર્થની મૂર્તિઓ પર્વતોની કંદરામાં છુપાવી અને ભગવાન શામળીયાની મૂર્તિ કરાજવ્રૂજ તળાવમાં પધરાવી. ત્યાર પછી સો-સવાસો વર્ષ પછી એ જ કરાજવ્રૂજ તળાવમાંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતા જે મૂર્તિ હાથ લાગી એ જ ભગવાન શામળાજી. શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. શામળાજીના મેળામાં મંદિરની સામે બાજુના રસ્તાની બંને તરફ હાટડીઓ લાગી જાય છે. મંદિર આગળનો ખુલ્લી જગ્યા મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. આ સમયે શામળાજીને અદભુત શણગારથી સજાવવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને રાજરાાનની મોટાભાગના લોકો માટે શામળાજીનો મેળોએ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.
સિદ્ધપુરનો કાત્યોકનો મેળો
માતૃશ્રાદ્ધ માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તરીકે ઓળખાતું સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કૂખમાં ભરાતા કાત્યોકનો મેળો કાર્તિકી પૂનમની રાત્રીના સમયે રોશનીથી ઝળહળી ઉઠે છે. લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીની કૂખમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરી ધન્યતા અનુભવે છે. મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાતા ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર તેમજ મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવે છે.
મેળામાં નાની-મોટા ચકડોળો, બાળકોને મનોરંજન આપતા સાધનો તેમજ મોતના કૂવામાં મોટરસાઈકલ અને મારૂતિના જીવસટોસટના ખેલ પણ જોવા મળે છે. વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. જે કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એકજવાર ખૂલતું હોવાથી કાત્યોકનો લોકમેળો માણવા આવતાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ દિવસોમાં લોકમાતાના કૂખમાં સરામણનું આગવું મહત્ત્વ રહેલું છે. પૌરાણિક પુષ્ટી મુજબ ચૌદશની રાત્રીએ ૧૨ કલાકે મોક્ષપીપળો, સરસ્વતી નદીના તટે, ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ થાય છે. આ વિરલ પ્રાસંગિકતા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ માટે આવે છે.
ઉત્તર ક્રિયા, માતૃતર્પણ, દશા શ્રાદ્ધ. એકાદશી શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણબલિ જેવા અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે. અહીંયા ઊંટ-અશ્વનું બજાર ભરાય છે. મેળામાં શેરડીનો મોટો વેપાર થાય છે. જેથી આ મેળાને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે. કાત્યોકના મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પોતાના પૂર્વજોની યાદમાં શ્રદ્ધાળુઓ દ્વારા દીવડાં તરતા મૂકવામાં આવે છે.

સપ્તસંગમ અને ગધેડાનું બજાર: વૌઠાનો મેળો
અમદાવાદના ધોળકા તાલુકાના નાના એવા વૌઠા ગામ ખાતે કારતક સુદ પૂર્ણિમાના દિવસે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થાળ સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાંનો વૌઠા આગળ સાબરમતી અને વાત્રક એમ બે મુખ્ય નદીઓ જ મળે છે. આ બે નદીઓનો તે અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માંજમ અને શેઢી નદીઓ મળે છે. આ રીતે અહીં સાત નદીઓનો સંગમ થાય છે.ભાલ અને નળકાંઠાના લોકો તેમજ ઠાકોર, રાણા, દરબાર, કાછિયા પટેલ અને રાજપૂત કોમના લોકો ત્યાં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ રહે છે, અને સપ્ત નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરે છે. અહીં પૂર્ણિમાના સ્નાનનું અનેરું મહત્ત્વ છે.
ગુજરાતના મધ્યમાં આવેલાં આ સ્થળનું મહત્ત્વ પુરાણોમાં છે. અમદાવાદ જિલ્લાના ધોળકાનો મહાભારતમાં વિરાટનગર તરીકે ઉલ્લેખ છે, જ્યાં પાંડવો તેરમા વર્ષે અજ્ઞાતવાસ ગાળવા રહ્યા હતા. વૌઠામાં આવેલાં મહાદેવનાં મંદિર માટે ઘણી બધી લોક વાયકાઓ છે. કહેવાય છે કે, ભગવાન શિવના જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી જે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે તે કાર્તિકી પૂર્ણિમાએ ચૌક્કસ આ મેળામાં પવિત્ર સ્નાન કરવા આવે છે. વૌઠામાં આજે પણ તેમની ચરણપાદુકાનું પૂજન થાય છે. આથી પૂનમનો દિવસ ભારે ભીડ વાળો હોય છે. મેળામાં અનેક હાટ મંડાય છે.જ્યાં નાના-મોટા અનેક વેપાર થાય છે.
આ મેળાનું મુખ્ય આકર્ષણ તો ગધેડાનું બજાર છે. અહીં સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે આવે છે. ગધેડા બજાર ઉપરાંત અહીં પરંપરાગત વણઝારાઓનો સમુદાય પણ ઉતરી પડે છે જેઓ ૪ હજાર કરતાં પણ વધુ ગધેડા વેચાણ માટે લાવે છે. સાથોસાથ મેળામાં ઊંટનો પણ વેપાર થાય છે. અહિં ગધેડાઓને લાલ, પીળા, ગુલાબી અને કેસરી રંગ ગળે અને પીઠ પર રંગ લગાવવામાં આવે છે. જે રંગીન પશુઓના મેળાની પ્રતીતિ કરાવે છે.
આપણ વાંચો: અમદાવાદમાં લોન અપાવતી ગેંગે પવનચક્કીના વેપારીને છેતર્યો: તમિલનાડુના વેપારીને રૂ. ૨૯.૭૫ લાખનો ચૂનો!



