અમદાવાદની જાણીતી સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુ મારી હત્યા કરી, જાણો વિગત

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મંગળવારે ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતાં ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલાં આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય ધક્કામુક્કીને કારણે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને આરોપી વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ પોતાના 7-8 મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેણે ચપ્પુથી વાર કરતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની વિગતો મુજબ, ઘોડાસરમાં રહેતો એક 15 વર્ષીય વિદ્યાર્થી તેના પિતરાઈ ભાઈ સાથે ધોરણ 10માં અભ્યાસ કરે છે. લગભગ એક અઠવાડિયા પહેલાં, આ બંને ભાઈઓને શાળાની સીડી પર ધોરણ 8ના બે વિદ્યાર્થીઓ સાથે ધક્કામુક્કી થઈ હતી. આ મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી, જ્યારે પણ તેઓ સામસામે આવતા, ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થતી હતી.
મંગળવારે, શાળા છૂટ્યા બાદ ધોરણ 10નો વિદ્યાર્થી મણિયાશા સોસાયટીના ગેટ પાસે પહોંચ્યો હતો. તે સમયે, ધોરણ 8ના વિદ્યાર્થીએ તેના સાત-આઠ મિત્રો સાથે મળીને તેની સાથે ફરી બોલાચાલી કરી હતી અચાનક, ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢીને ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને ભાગી ગયો હતો.
હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલો વિદ્યાર્થી ભયના માર્યો શાળાના કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો. ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે તેને જોઈને તરત જ શાળાના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શાળામાં જૂથ અથડામણની આ ઘટનાથી વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આપણ વાંચો: સુરત હીરા ચોરી કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણીને ચોંકી જશો