UGCની લાલ આંખ: ગુજરાતની 8 ખાનગી યુનિવર્સિટીઓ ‘ડિફોલ્ટર’ જાહેર, જુઓ લિસ્ટ

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુજીસી દ્વારા કુલ 54 ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની આઠ ખાનગી યુનિવર્સિટીઓ સામેલ હતી. આ યુનિવર્સિટીઓ અમદાવાદ, ગાંધીનગર સહિત રાડ્યના વિવિધ શહેરોમાં આવેલી છે.
રાજ્યની આ 8 યુનિવર્સિટીઓ ડિફોલ્ટર
- કે.એન. યુનિવર્સિટી, અમદાવાદ
- ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી, અમદાવાદ
- ગાંધીનગર યુનિવર્સિટી, કલોલ
- જે.જી. યુનિવર્સિટી, ઉવારસદ(ગાંધીનગર)
- એમ.કે. યુનિવર્સિટી, પાટણ
- પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, વાપી
- સુરેન્દ્રનગર યુનિવર્સિટી, વઢવાણ
ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી, વડોદરા
શા માટે યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરાઈ?
UGCના નિયમો અનુસાર, તમામ યુનિવર્સિટીઓએ કોર્સ, ફેકલ્ટીની લાયકાત, રિસર્ચ (સંશોધન કાર્ય), ફી માળખું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) જેવી જરૂરી માહિતી પોતાની વેબસાઇટ પર પારદર્શક રીતે જાહેર કરવી ફરજિયાત છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંશોધકોને સરળતાથી માહિતી મળી શકે તે માટે આમ કરવું જરૂરી છે. UGCના જણાવ્યા મુજબ, વર્ષ 2024માં જાહેર કરાયેલી ગાઇડલાઇન હોવા છતાં અને વારંવાર નોટિસ મોકલવા છતાં પણ આ આઠ યુનિવર્સિટીઓએ વિગતો જાહેર કરી નહોતી.
UGCના નિયમ મુજબ, આ તમામ માહિતી કોઈપણ પ્રકારના લોગ-ઇન કે રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા માટે ઉપલબ્ધ હોવી જરૂરી છે. નિયમોનું પાલન ન થતાં હવે આ યુનિવર્સિટીઓને સત્તાવાર રીતે ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. ડિફોલ્ટર જાહેર કરાયેલી તમામ યુનિવર્સિટીઓએ હવે તેમના ઇન્સ્પેક્શન માટે જરૂરી દસ્તાવેજો તેમજ રજિસ્ટ્રારના હસ્તાક્ષરવાળા પુરાવા યુજીસી સમક્ષ તાત્કાલિક રજૂ કરવાના રહેશે. શિક્ષણવિદોનું માનવું છે કે UGCની આ કડક કાર્યવાહીના કારણે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓને લાંબા ગાળે આનો મોટો ફાયદો થશે.
આ પણ વાંચો…આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું