અમેરિકાએ ડિપોર્ટ કરેલા 119 લોકોમાંથી 8 ગુજરાતીઓ; જુઓ યાદી

અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને બીજું વિમાન આજે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચશે. આ વિમાનમાં 119 ભારતીયો હશે. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને ગુજરાતના 8 લોકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Back to India: અમેરિકામાંથી વધુ 487 ભારતીયને ડિપોર્ટ કરવાના અહેવાલ
8 ગુજરાતીઓના નામ
અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા ભારતીયોની બીજી બેચને લઈને વિમાન આજે અમૃતસર લેન્ડ કરશે. જેમાં આઠ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેની યાદી સામે આવી છે. કલોલના લુહાર ધવલભાઈ કિરીટકુમાર, લુહાર રુદ્ર ધવલભાઈ તેમજ અમદાવાદના પટેલ ધિરજકુમાર કનુભાઈ, માણસાના ચૌધરી કનિશ મહેશભાઈ તે ઉપરાંત મિહિત ઠાકોર , ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી, ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી, ગોસ્વામી પૂજાબેન દિપકપૂરીનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધ બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી.
કાર્યવાહીનો દોર ચાલુ
જો કે હજુ પણ અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર ચાલુ છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોનો બીજો જથ્થો આજે ભારત પહોંચશે. વિમાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમૃતસરમાં લેન્ડ થશે. અમેરિકાએ આ વખતે 119 જેટલા ભારતીયોને પરત મોકલ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજું વિમાન પણ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી આવી શકે છે, જેમાં 157 લોકો હશે.