ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગત 25 ઓગસ્ટે ગુજરાત કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો આ પહેલા પણ કચ્છમાં સાંબેલાધાર વરસાદ પડ્યા બાદ જળ જમાવ રહયા પછી હજુ પણ બે દિવસ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી વચ્ચે કચ્છ સહિત રાજકોટ અમદાવાદ જેવા મહાનગરોમાં રોગચાળાએ ભરડો ફેલાવ્યો છે. કચ્છમાં ન્યુમોનિયાએ એક સપ્તાહમાં 8 નો ભોગ લઈ લેતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
છેલ્લા પખવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આ વરસાદની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઠેરઠેર વરસાદી પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગની માહિતી મુજબ ડેન્ગ્યુના 688 કેસ નોંધાયા છે અને 3 બાળકીનાં ડેન્ગ્યુના કારણે મોત થયાં છે. જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા હતા અને એક પરિણીતાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે.વડોદરામાં અત્યાર ડેન્ગ્યુના કુલ 198 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જોકે ત્યાં એકપણ મોત નોંધાયું નથી. જ્યારે રંગીલા રાજકોટમાં પણ ડેન્ગ્યુના કુલ 120 જેટલા કેસો સામે આવ્યા છે.
કચ્છમાં શ્વસન તંત્રની બીમારી
છેલ્લા ઘણા સમયથી શ્વસન સંબંધિત સમસ્યાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે કચ્છને ન્યુમોનિયાએ ભરડામાં લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ન્યુમોનિયાએ 8 લોકોના ભોગ લીધા છે. તમામ મૃતકોને ફેફસામાં સંક્રમણ થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ રોગ વકરતાં લોકોમાં ચિંતા વ્યાપી છે
ઘણા જીવજંતુઓ ન્યુમોનિયા પેદા કરી શકે છે. જેમાં, આપણે શ્વાસ લેતા બેક્ટેરિયા અને વાયરસ સૌથી સામાન્ય છે. આપણું શરીર સામાન્ય રીતે આ જંતુઓ ફેફસાંમાં ચેપ લગાવવાનું બંધ કરે છે, પરંતુ કેટલીકવાર આ સૂક્ષ્મજંતુ એટલા મજબુત થઈ જાય છે કે તે આપણી રોગપ્રતિકારક શક્તિ પર પ્રભુત્વ ધરાવે છે અને શરીરને ચેપ લગાડે છે.
ધુમ્રપાન કરનારાઓને પણ ન્યુમોનિયા થવાનું જોખમ વધારે છે. ધુમ્રપાન બેક્ટેરિયા અને વાયરસ સામે શરીરના કુદરતી સંરક્ષણને નુકસાન પહોંચાડે છે, ન્યુમોનિયા પેદા કરે છે. જે લોકોને એડ્સ છે, જેમની પાસે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયો છે અથવા કેમોથેરેપી કરાવી રહ્યા છે તેમને પણ ન્યુમોનિયા થવાનું જોખમ વધારે છે.
રોગથી બચવાના ઉપાયો
ન્યુમોનિયા અને ફ્લુ સામે રક્ષણ માટે કેટલીક રસી ઉપલબ્ધ છે. સ્વચ્છતાનું ધ્યાન રાખો, સમયાંતરે તમારા હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. ધુમ્રપાન ન કરો, તે તમારા ફેફસાને વધુ ખરાબ કરે છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો, પૂરતી ઊંઘ લો, નિયમિત વ્યાયામ કરો અને આરોગ્યપ્રદ આહાર લો.