પુત્ર-પુત્રવધુની અમેરિકા જવાની ઈચ્છા ખેડૂતપિતાને ભારે પડીઃ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ | મુંબઈ સમાચાર
અમદાવાદ

પુત્ર-પુત્રવધુની અમેરિકા જવાની ઈચ્છા ખેડૂતપિતાને ભારે પડીઃ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી વિદેશ લઈ જવાની લાલચ આપી એક ખેડૂતની છેતરામણી કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગરના સરઢવ ગામના એક ખેડૂતે પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પુત્ર અને પુત્રવધુને અમેરિકા મોકલવાની લાલચ આપી રૂ. 40 લાખની છેતરપિંડી કરી છે. આ માટે તેમણે ચાર જણ સામે ફરિયાદ નોંધાવી છે.

તેમની ફરિયાદ અનુસાર તેમના 25 વર્ષીય પુત્રની ઈચ્છા અમેરિકા જઈ સેટલ થવાની હતી. મે, 2024માં સરઢવ ગામમાં એક એજન્ટ પુત્રને મળ્યો હતો અને કોઈપણ જાતના ગેરકાયદે કામ કર્યા વિના તેઓ તેને અમેરિકા મોકલી શકે તેમ છે અને ત્યાં સારી નોકરી પણ અપાવી શકે તેમ છે, તેમ કહ્યું હતું. ત્યારબાદ આ ચારેય તેમના ઘરે પણ આવ્યા હતા. તેમણે પુત્ર અને પુત્રવધુ બન્નેને વિદેશ મોકલવા માટે રૂ. 1.2 કરોડની માગણી પણ કરી હતી, જેમાંથી રૂ. 60 લાખ પહેલા અને બાકીના બન્ને અમેરિકા પહોંચી જાય પછી આપવાની વાત કરી હતી. આથી ફરિયાદીએ લોન અને બચત વગેરે એક કરી તેમને પૈસા આપ્યા હતા.

21 મેના રોજ તેઓ તેમના ઘરે આવ્યા, રૂ. દસ લાખ લીધા અને તેમના પુત્ર અને પુત્રવધુને પણ સાથે લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલા તેઓ અહીંથી મુંબઈ જશે અને પછી ત્યાંથી ન્યૂ યોર્ક જશે. જોકે ખેડૂત પિતાના કહેવા અનુસાર તેમના પુત્ર અને પુત્રવધુ થોડા દિવસ મુંબઈ રહ્યા, ત્યાંથી વિએટનામ અને ત્યાંથી થાઈલેન્ડ ગયા, પરંતુ અમેરિકા પહોંચ્યા નહીં. અમુક દેશો ફરી બન્ને પોતાના પાસપોર્ટ લેવા દોઢેક મહિના બાદ પાછા ભારત આવ્યા, ત્યારે તેમને રૂ. દસ લાખ આપવા પડ્યા, તેવો દાવો પણ ફરિયાદીએ કર્યો છે. આ ચારેયને આપેલા રૂ. 85 લાખમાંથી 45 લાખ પરત મળ્યા છે, પરંતુ રૂ. 40 લાખ ન આપ્યા હોવાની ફરિયાદ ખેડૂત પિતાએ કરી છે.

આ પણ વાંચો….ડિજિટલ અરેસ્ટમાં સૌથી મોટી છેતરપિંડી! મુંબઈના ઉદ્યોગપતિએ ₹58 કરોડ ગુમાવ્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button