31st Dec ની રાત્રે એવું તે શું બન્યું કે અમદાવાદમાં દ્રાક્ષનો સ્ટોક ખાલી થઇ ગયો? જાણીને તમે પણ ચોંકી જશો

અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે લોકોએ વિવિધ રીતે ઉજવણી કરીને વર્ષ 2024ને વિદાય આપી અને વર્ષ 2025નું સ્વાગત (New Year Celebration) કર્યું. 31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં એવું બન્યું કે શહેરમાં ફાળોની દુકાનો પર દ્રાક્ષનો સ્ટોક ખતમ થઇ ગયો, માર્કેટમાં દ્રાક્ષના ભાવ પણ ઊંચકાઈ ગયા. તપાસ કરતા જાણવા મળ્યું કે આની પાછળ એક વિચિત્ર વિદેશી માન્યતાનું આંધળું અનુકરણ જવાબદાર હતું.
શું છે આ માન્યતા:
સ્પેનિશ અને કોલમ્બિયન સમાજમાં એવી માન્યતા છે કે નવા વર્ષની રાત્રીએ 12 દ્રાક્ષ ખાવાથી નવા વર્ષમાં નસીબ સારું રહે (12 Grapes of Luck) છે. આમ તો આવા રીવાજો કે માન્યતાઓનો ભારતીય સમાજ સાથે કોઈ સંબંધ નથી, પણ સોશિયલ મીડિયા ટ્રેન્ડના જમાનામાં આ માન્યતા યુવા પેઢી સુધી પહોંચી ગઈ. ટ્રેન્ડ પાછળ ઘેલા થયેલા યુવાનોએ દ્રાક્ષ ખરીદવાનું શરુ કર્યું અને આખા શહેરમાં દ્રાક્ષની અછત ઉભી થઇ ગઈ.
ફેમસ અમરિકન સિટકોમ સિરિયલ મોર્ડન ફેમિલીમના એક એપિસોડમાં આ માન્યતા દર્શાવવામાં આવી હતી. માન્યતા મુજબ નવા વર્ષની રાત્રે ટેબલ નીચે છુપાઈને 12 દ્રાક્ષ ખાવાથી નવા વર્ષે 12 મનોકામના પૂરી થાય છે. સોશિયલ મીડિયા પર માન્યતા અંગેની પોસ્ટ્સ વાયરલ થઇ હતી.
એક એપિસોડમાં ગ્લોરિયાનું કેરેક્ટર તેના પતિ મેનીને 12 દ્રાક્ષ ખાવાના મહત્વ વિશે કહે છે. ઘડિયાળ મધ્યરાત્રિ પર 12 ટકોરા મારે છે, ગ્લોરિયા દરેક ટકોરા સાથે એક દ્રાક્ષ ખાવાનું જણાવે છે. તે વધુમાં કહે છે કે એક વર્ષ પહેલા સિંગલ મધર હતી, પરંતુ જ્યારે તેણે 12 દ્રાક્ષ ખાવની પરંપરા અનુસરી ત્યાર બાદ તેના ભાગ્ય ખુલી ગયા, હવે વધુ સારું, સમૃદ્ધ જીવન જીવી રહી છે.
ટ્રેન્ડની ઘેલછા:
આ રીવાજ કે માન્યતા પાછળ ત્યાંના સામાજિક કે વૈજ્ઞાનિક કારણો સમજ્યા વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ અને સ્ટોરીઝ અપલોડ કરવા માટે યુવાનો 31 ડિસેમ્બરના દિવસે દ્રાક્ષ શોધવા અમદવાદના ફ્રુટ્સ સ્ટોર પર ફરતા જોવા મળ્યા હતાં. જો કે, જેમ જેમ મધ્યરાત્રિની નજીક આવી રહી હતી તેમ, દુકાનો, ડિલિવરી એપ્લિકેશન્સ અને લારીઓ પરથી દ્રાક્ષનો સ્ટોક ખૂટી ગયો.
યુવાનોએ શું કહ્યું?
એક અખબાર સાથે વાત કરતા એક યુવતીએ જણાવ્યું કે સેટેલાઇટથી પ્રહલાદનગર વિસ્તાર સુધી કલાકો સુધી શોધ કર્યા પછી, આખરે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ કાળી દ્રાક્ષ મળી, જેના 500 ગ્રામ માટે 120 રૂપિયા ચુકવવા પડયા.
દુકાન ધારકો પણ મુંજાયા:
શરૂઆતમાં દુકાનધારકો પણ સમજી ન શક્યા કે અચાનક દ્રાક્ષની માંગમાં અચાનક આટલો ઉછાળો કેમ આવ્યો. એક દુકાનદારે જણાવ્યું કે દ્રાક્ષનો સ્ટોક ખતમ થઇ ગયા પછી લગભગ 20થી વધુ યુવાનો દ્રાક્ષ ખરીદવા આવ્યા હતાં. વધુ સ્ટોક રાખ્યો હોત તો સારું હતું.
આ પણ વાંચો…કચ્છમાં ફરી વૃદ્ધ દંપતી બન્યુ ડિજિટલ અરેસ્ટનું શિકારઃ ત્રણ દિવસ સુધી બાનમાં રાખ્યા
અહેવાલ મુજબ માત્ર 10-15 દિવસમાં દ્રાક્ષના ભાવમાં વધારો થયો છે. ઈમ્પોર્ટેડ લાલ દ્રાક્ષનો ભાવ 10 દિવસ પહેલા 200 રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ 31તારીખે ભાવ 400 રૂપિયા થઇ ગયો હતો.
આધુનિક અંધશ્રદ્ધા?
જાગરુક નાગરિકોનું કહેવું છે કે આધુનિક વિજ્ઞાન યુગમાં અંધશ્રદ્ધા સામે આભીયાનો ચલવવામાં આવી રહ્યા છે, ત્યારે યુવાનો આવા ટ્રેન્ડમાં ફસાઈને પાશ્ચાત્ય અંધશ્રદ્ધા આપનાવી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી આનંદ અને વિવેક સાથે કરવી જોઈએ.
આ માન્યતા પાછળનું મૂળ કારણ:
નવા વર્ષની રાત્રે દ્રાક્ષ ખાવાની આ પરંપરાની શરૂઆત 1800 ના દાયકાના અંતમાં શરૂ થઈ હતી, પરંતુ 19મી સદીના અંતમાં લોકપ્રિય બની હતી. સ્પેનના દ્રાક્ષ પકવતા ખેડૂતો વધુ ઉપજ મેળવતા ત્યારે, ઉત્પાદનોના વેચાણમાં વધારો થાય અને નવા વર્ષમાં પણ વધુ સારી ઉપજ, સારું નસીબ અને સમૃદ્ધિની આશા સાથે મધ્ય રાત્રી 12 દ્રાક્ષ ખાતા, વખત જતા આ માન્યતા સ્પેનની બહાર યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાઈ, હવે ઈન્ટરનેટના માધ્યમથી આ ટ્રેન્ડ દુનિયાભરમાં ફેલાયો છે