
અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર હજુ પણ યથાવત્ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુજરાત પર વરસાદી ગતિવિધિ સક્રિય રહી હતી જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ માવઠું પડ્યું હતું. ગુજરાત પ્રદેશના મોટાભાગના સ્થળોએ અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છના અમુક સ્થળોએ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર અને ભરૂચમાં ૭ સે.મી. વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. રાજુલામાં 3.46 ઇંચ, ખાંભામાં 2.99 ઇંચ, 2.48 ઇંચ, તળાજામાં 2.48 ઇંચ, જાફરાબાદમાં 2.05 ઇંચ, મહુવામાં 1.93 ઇંચ, ઉનામાં 1.61 ઇંચ, ભાણવડમાં 1.50 ઇંચ, પડધરીમાં 1.18 ઇંચ, ખંભાળિયામાં 1.14 ઇંચ અને લીંબડીમાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. એટલે કે માવઠાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સક્રિય હતી.
તાપમાન અને હવામાનની સ્થિતિ
તાપમાનની વાત કરીએ તો, ગુરુવારે ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં થોડો વધારો થયો હતો. રાત્રિના તાપમાનમાં જોકે મોટો ફેરફાર નહોતો. દિવસનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગર ખાતે નોંધાયું હતું. રાત્રિનું તાપમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
આગામી ૨૪ કલાક માટે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૨૪ કલાકમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને સુરત તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.



