ગુજરાતના ૨૬૬૬ ગામને મળશે નવા પંચાયત ભવનઃ સરકારે લીધો મહત્વનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધિનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિકસ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ કર્યુ હતુ. તેમણે કહ્યું હતું કે રાજ્યના ૧૧૪ તાલુકામથકના એવા ગામો જે તાલુકામથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે.
આ પણ વાંચો સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી કોસ્મેટિક્સ વેચતું રેકેટ ઝડપાયું; લાખોનો મુદ્દામાલ જપ્ત



