અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું હતું. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો હતો.

આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે, જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

આપણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 199મું અંગદાનઃ BSF જવાને 4 લોકોને નવજીવન આપ્યું…

અમરેલીના વ્યક્તિએ કર્યું 200મું અંગદાન

૨૦૦મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા ૩૫ વર્ષીય મહેશભાઇ સોલંકીને ૦૨ જુલાઇના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ૭ જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે ૯ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

આપણ વાંચો: અંગદાન માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આટલા દિવસની સ્પેશીયલ કેઝ્યુઅલ લીવ

લ ૬૫૭ અંગોનું દાન મળ્યું

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ૨૦૦ અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. ૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે.

જેમાં આજદિન સુધીમાં કુલ ૨૦૦ અંગદાન થયાં છે. જેના દ્વારા કુલ ૬૫૭ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.

૨૦૦મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ ૬૩૮ માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ ૨૦૦ અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.

આંકડામાં અંગદાન

  • સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન થકી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.
  • સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કરેલ ૨૦૦ અંગદાતાઓમાંથી ૧૫૬ પુરુષ અંગદાતાઓ અને ૪૪ સ્ત્રી અંગદાતાઓનો સમાવેશ થાય છે.
  • સિવિલ હોસ્પિટલમાં મળેલ અંગદાનમાં ૨૦૦ અંગદાતાઓ પૈકી ૧૭૬ અંગદાતાઓ ગુજરાતના, ૫ ઉત્તરપ્રદેશના, ૬ મધ્યપ્રદેશના, ૩ બિહારના, ૯ રાજસ્થાનના તથા ૧ નેપાળના અંગદાતાનો સમાવેશ થાય છે.
  • ગુજરાતના ૧૭૬ અંગદાતાઓ પૈકી સૌથી વધુ ૬૮ અંગદાતાઓ અમદાવાદના છે.
  • ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં દેશના અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા છે.
  • ૨૦૨૦થી લઈને અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ દ્વારા સતતપણે લોકોને જાગૃત કરવાથી લઈને વધુને વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button