અમદાવાદ

ઈમરજન્સી ન હોવા છતાં ટ્રેનની ચેન ખેંચવાળાનો અટકચાળો પડ્યો ભારે, રેલવેએ પાંચ લાખ વસૂલ્યા

અમદાવાદઃ કોઈપણ જાતની ઈમરજન્સી ન હોવા છતા રમત માટે ચાલતી ટ્રેનની ચેન ખેંચવામાં આવે ત્યારે રેલ્વે સ્ટાફ અને મુસાફરો બન્નેના સમયનો વેડફાટ લાગે છે. આવા અટકચાળો કરતા 1,855 સામે અમદાવાદ રેલવે મંડળે પગલા લીધા હતા.
રેલવેએ આપેલી માહિતી અનુસાર 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન અમદાવાદ મંડળમાં કુલ 2047 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંમાંથી 1,855 મામલાના કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે બાકી કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા. આરપીએફ દ્વારા 1,813 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ રૂ.5,65,100 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર 1,142 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ સ્ટેશનો પર તથા 905 ઘટનાઓ સેક્શનોમાં નોંધાઈ હતી. સ્ટેશનો પર નોંધાયેલા 1,142 કેસોમાંથી 1,031 મામલાના કેસ નોંધવામાં આવ્યા, જ્યારે સેક્શનોમાં નોંધાયેલા 905 કેસોમાંથી 812 કેસોમાં વિધિવત કાર્યવાહી કરવામાં આવી.

સ્ટેશનોમાં એલાર્મ ચેન પુલિંગની દૃષ્ટિએ અમદાવાદ (450), સાબરમતી (189), મણિનગર (50), મહેસાણા (92), વિરામગામ (42) અને ગાંધીધામ (38) મુખ્યત્વે પ્રભાવિત રહ્યા. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર–અમદાવાદ (142), અમદાવાદ–વિરામગામ (122), ઊંઝા–પાલનપુર (71), ઝુંડ–સમાખ્યાલી (63) તેમજ સમાખ્યાલી–ભુજ (68) અને અમદાવાદ–સાબરમતી (49) સેક્શનોમાં વધુ એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ હતી.

એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં મુસાફર દ્વારા ખોટી ટ્રેન અથવા કોચમાં ચઢી જવું, મુસાફરનું સામાન છૂટી જવું તથા સાથી મુસાફર છૂટી જવો વગેરેનો સમાવેશ થાય છે. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવ્યા અને રેલવે સ્ટાફ સાથેનો સમન્વય વધારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હઝરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હોવાનું પણ રેલવેએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button