અમદાવાદ

અમદાવાદમાં ફૂડ વિભાગની તવાઈ: 1500 કિલો ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત

અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકેશ ડેરીમાંથી લગ્ન પ્રસંગ તેમજ શહેરની અનેક જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલવામાં આવતું હતું. ફૂડ વિભાગ હવે તપાસ કરી રહી છે કે દ્વારકેશ ડેરીમાંથી ક્યાં ક્યાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલાયું છે તેની તપાસ કરાશે.

આ પણ વાંચો: પાટણ: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, ભેળસેળયુક્ત 8219 કિલો તેલ સીઝ કર્યુ

બાતમીના આધારે કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા મુજબ દરોડામાં ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. દ્વારકેશ ડેરીમાંથી છૂટક વેપારીઓ પનીર ખરીદી લોકોને વેચતા હોવાથી લોકોના આરોગ્ય સાથે મોટાપાયે ચેડાં થતાં હોવાની બાતમી મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર ભેળસેળિયા પનીરનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

લાઇસન્સ હોવા છતાં થતી હતી ભેળસેળ

દ્વારકેશ ડેરી પાસે લાઇસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. પેઢીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ આ પનીર ખાવાલાયક ન હોવાનું જણાયું હતું. ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button