દોઢસો વર્ષ જૂની પરંપરા અનુસાર સુરેન્દ્રનગરમાં નવા વર્ષે ગાયોના ધણ દોડ્યા

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, આદરીયાણા,નગવાડા, વડગામ, પાનવા અને ધામા વગેરે ગામમાં એક અલગ પરંપરા છે. અહીં નવા વર્ષે વહેલી સવારે ગાયો દોડાવવાની પરંપરા છે.
આ પરંપરા દોઢસો વર્ષ જૂની છે. રાજા-રજવાડાઓના સમયથી ચાલી આવતી આ પ્રથામાં ગાયોની રેસ લાગે છે અને તેમની સાથે ગોવાળો પણ દોડે છે. હજુ સુધી ગામના લોકોએ આ પ્રથા જાળવી રાખી છે.
આપણ વાંચો: ભારતનાં બે રાજ્યોમાં મહિના પછી દિવાળી મનાવાશે, કેમ છે બુઢી દિવાલીની પરંપરા ?
આ પરંપરામાં, બેસતા વર્ષે 300થી વધુ ગાયોના શિંગડામાં ઘી લગાડીને તેમને પરંપરાગત રીતે શણગારવામાં આવે છે. ગોવાળોનો સમૂહ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે.
હરીફાઈમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવે છે. આ રીતે લોકો પણ એકબીજાને સવારમાં મળી નવા વર્ષની શુભકામનાઓ આપે છે. ગાયો જ્યાંથી પસારત થઈ હોય તે ધૂળને પવિત્ર માનવામાં આવે છે, મહિલાઓ તેને માથે ચડાવે છે.
આપણ વાંચો: અમદાવાદની પોળમાં પુરુષો સાડી પહેરીને રમે છે ગરબા, જાણો 200 વર્ષ જૂની પરંપરાનું મહત્વ
નાત-જાતના ભેદભાવ વિના યોજાય છે ગામેરુ
સવારથી ગામની તમામ કોમના લોકો, આગેવાનો ભેગા થાય છે. અહીં પહેલા તો ખેતી વિષે વાત થાય છે, નવા વર્ષના લેખાજોખા થાય છે. લોકો રસપ્રદ વાતો કરે છે, પોતાના અનુભવો શેર કરે છે.
ઢોલ નગારા વાગે છે અને ત્યારબાદ ગાય દોડાવવાની શરૂ થાય છે. આ માત્ર ગાયોની દોડ નહીં પણ ગોવાળના ગાયો પરના નિયંત્રણની પણ પરીક્ષા હોય છે. નાના ફટાકડા ફોડી ગાયોને ભડકાવવામાં પણ આવે છે. આ દિવસે અહીં અનેરું વાતાવરણ સર્જાય છે. આખું ગામ ચિચિયારી અને હર્ષોલ્લાસથી ગૂંજી ઊઠે છે.
એક સમયે અહીં ઊંટ-ઘોડા પણ દોડાવવામાં આવતા હોવાનું ગ્રામજનો કહે છે. લોકો ફાળો ઉઘરાવી આ ગાયોના ઘાસચારાની વ્યવસ્થા પણ કરે છે. ગાયો પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો પણ આ એક મોકો છે.