બાંગ્લાદેશની ગેરકાયદે રહેતી 12 મહિલા સહિત 14 મહિલાને દેહવ્યાપારમાંથી બચાવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ભરૂચ જિલ્લા પોલીસના સ્થાનિક ગુના શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ એક સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા દેહ વેપાર રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 14 મહિલાને રેસ્ક્યુ કરી હતી, જેમાં 12 બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરીમાં સંડોવાયેલા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
ફારુક શેખ નામના બાંગ્લાદેશી એજન્ટ વિશે મળેલી માહિતી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જે કથિત રીતે બ્યુટી પાર્લરમાં અથવા ઘરનોકર તરીકે નોકરી આપવાનું વચન આપીને મહિલાઓને લલચાવતો હતો અને પછીથી તેમને દેહ વેપારમાં ધકેલી દેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓને જંબુસરમાં આરોપીઓના ઘરમાં કેદ કરી રાખવામાં આવી હતી, જ્યાંથી આ રેકેટ ચલાવવામાં આવતું હતું.
પીડિતો પાસેથી ભરૂચ અને અંકલેશ્વરમાં કથિત રીતે સ્પામાં કામ કરાવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ભરૂચમાં નાઝીમ ખાન દ્વારા ચલાવવામાં આવતા સ્પામાં ત્રણ મહિલાઓ, ભરૂચમાં રઈસ શેખ દ્વારા ચલાવવામાં આવતા ગેસ્ટ હાઉસમાં ત્રણ અને અંકલેશ્વરમાં સુજીતકુમાર ઝા દ્વારા ચલાવવામાં આવતા સ્પામાં ચાર મહિલાઓને રાખવામાં આવી હતી. આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ 10 મહિલાઓનો બચાવ થયો હતો, જ્યારે શેખના ઘરેથી ચાર અન્ય મહિલા મળી આવી હતી.
પૂછપરછ દરમિયાન, શેખે કથિત રીતે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પશ્ચિમ બંગાળથી નકલી ઓળખ દસ્તાવેજો મેળવ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેણે બાંગ્લાદેશથી મહિલાઓને લાવવા માટે એજન્ટો અને સંબંધીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો અને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં નોકરી અપાવવા સહિત લગભગ 60 બાંગ્લાદેશી મહિલાઓના ગેરકાયદેસર રોકાણમાં મદદ કરવાનો દાવો કર્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન મોબાઇલ ફોન, 64,000 રૂપિયા રોકડા અને ઓળખના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આરોપીઓ – ફારૂક શેખ, નાઝીમ ખાન, રઈસ શેખ અને સુજીતકુમાર ઝા – પર અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમ, 1956 અને ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતમાં ત્રણ વર્ષમાં કેટલા બાળકોને હૃદય સંબંધિત સારવાર આપવામાં આવી?



