અમદાવાદ

સો કરોડના સાયબર ફ્રોડમાં ઈડીએ પાંચ સામે ચાર્જશીટ દાખલ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
લોકોને મહિને દસથી બાર હજાર કમિશનની લાલચ આપી તેમના એકાઉન્ટમાં સાયબર ફ્રોડ સહિતના ચિટિંગના રૂ.૧૦૦ કરોડથી વધુ નાણાં જમા કરી તેને યુએસડીટી મારફ્ત દુબઇ મોકલવાના કાંડમાં સુરત સબ-ઝોનલ ઓફ્સિના એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ્ મકબુલ ડોક્ટર, મહેશ મફ્તલાલ દેસાઈ, ઓમ રાજેન્દ્ર પંડયા અને મીતેશ ગોકુલભાઈ ઠક્કરની સામે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

ઈડીની સ્પેશયલ કોર્ટે પાંચેય આરોપી સામે સમન્સ કાઢીને આગામી ડિસેમ્બર માસમાં મુદત રાખી હતી. ઈડીએ પાંચેય આરોપીઓ સામે મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૯ હેઠળ કાર્યવાહી હાથ ધરીને મિલકતો ટાંચમાં લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.

આપણ વાચો: સાયબર ફ્રોડ રોકવા નવો નિયમ, ફોનમાંથી સિમ કાર્ડ નીકાળતા જ બંધ થઈ જશે વોટસએપ

સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નોંધાયેલા ગુનામાં ઈડીએ તપાસ શરૂ કરી હતી. ઈડીના અધિકારીએ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ્ મકબુલ ડોક્ટર, મહેશ મફ્તલાલ દેસાઈ, ઓમ રાજેન્દ્ર પંડયા અને મીતેશ ગોકુલભાઈ ઠક્કરની સામે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ઈડીના સીનિયર એડવોકેટ સંજય ઠક્કરએ પાંચેય આરોપીની સામે કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, આરોપી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને કાશીફ્ મકબુલ ડોક્ટરે વિવિધ વ્યક્તિઓના નામે તેમના દ્વારા ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા કરાવીને મહેશ મફ્તલાલ દેસાઈ, ઓમ રાજેન્દ્ર પંડયા અને મીતેશ ઠક્કર તેને ક્રિપ્ટો ચલણમાં રૂપાંતરિત કરીને તેને મની લોન્ડરિંગ કર્યું હોવાનુ જાણવા મળ્યું હતું.

વ્યવહારોની વધુ વિગતો ઉજાગર કરવા અને રેકોર્ડ પર લાવવામાં આવેલા સંબંધિત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આરોપીઓની હાજરીમાં ફેરેન્સિક રીતે તપાસ કરીને પુરાવા એકઠા કરતા મોટી રકમના વ્યવહારો મળી આવ્યા હતા.

આપણ વાચો: સુરતમાં ₹100 કરોડના સાયબર ફ્રોડ મામલે ED એ કેટલા કરોડની સંપત્તિ જપ્ત કરી?

આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટ, ઈડી વગેરેની નકલી નોટિસ મોકલીને નિર્દોષ વ્યક્તિઓને ધમકી આપીને ભોળા લોકો સાથે છેતરપિંડી કરીને નાણાં પડાવતા હતા. જે નાણાં બેકના ખાતાઓમાં આવતા હતા અને પછી આંગડિયા તથા અન્ય માધ્યમો મારફતે ક્રિપ્ટો ચલણમાં રૂપાંતર કરવામાં આવતા હતા.

અમદાવાદના મોટેરા પાસે રહેતા મહેશ મફ્તલાલ દેસાઈ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ઓમ રાજેન્દ્ર પંડયાના અને મિતેશ ઠક્કર મારફતે સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટો ચલણમાં રૂપાંતર કરતા હતા. ત્યારબાદ કોર્ટે પાંચેય આરોપીની સામે નોટિસ કાઢીને ડિસેમ્બર માસમાં મુદત રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું..

સુરત પોલીસે ડેબિટ કાર્ડ ૩૮, બચત ખાતાની પાસબુક ૮, બચત ખાતાની ચેકબુક ૨૯, ચાલુ ખાતાની બે ચેકબુક, સિમ કાર્ડ ૪૯૭ , રોકડ ગણતરી મશીન એક , રૂ.૯૦,૪૦૮ વિદેશી ચલણ અને રૂ.૧૬,૯૫,૦૦૦ ભારતીય ચલણ જપ્ત કર્યા હતા.

ઈડીને તપાસમાં રૂ.૧૦૧ કરોડના વ્યવહારોના મહત્વના પુરાવા મળી આવ્યા હતા. જેમાં બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો રૂ. ૨૪,૧૭,૦૬,૫૩૮, સુરત અને અમદાવાદમાં આંગડિયા કંપનીઓ દ્વારા મોકલવામાં આવેલી રોકડ રૂ.૨૩,૧૧,૫૨,૭૧૦ અને મોબાઇલ ફેનમાં, વોટ્સએપ ચેટ વગેરે દ્વારા મળેલા વ્યવહારો રૂ. ૫૩,૮૧,૧૦,૭૨૩નો સમાવેશ થાય છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button