અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સર્જિકલ રોબોટનું લોકાર્પણ…
અમદાવાદ: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે.
Also read : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં “મેક ઇન ઇન્ડિયા સ્ટીલ”ના બ્રિજનું લોકાર્પણ
લોકો ભારતમાં આવે અને કંઈક શીખીને જાય
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણાં પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે જ, આજે તેને નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. આજે દેશમાં અને ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી મુખ્ય પ્રધાને ઉમેર્યું કે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ડૉ. એચ.એલ. ત્રિવેદીના પ્રદાનને બિરદાવતાં મુખ્ય પ્રધાને કહ્યું કે નાની ઉંમરે માણસને અંગદાનથી નવજીવન મળે તેનો આનંદ એ વ્યક્તિ કે તેનો પરિવાર જ વર્ણવી શકે. માનવજીવનને બચાવવા માટે જરૂરી તમામ સહાય કરવા માટે સરકાર હંમેશાં નાગરિકોની પડખે જ છે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન પણ કર્યું હતું.
Also read : Back 2 Home: અમેરિકાથી આવેલા ગુજરાતીઓ અંગે નીતિન પટેલે શું આપ્યું નિવેદન?
પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલના માધ્યમથી પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ તેમજ સોવેનિયરનું વિમોચન કર્યું હતું. તદુપરાંત, ડૉ. રાકેશ જોશીને ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ. ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી મુખ્ય પ્રધાનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.