સાબરમતી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી, મોદી સરકારની સંસદમાં કબૂલાત

અમદાવાદઃ ગુજરાતમાં 13 નદીઓને પ્રદૂષિત જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની સાબરમતી નદી સૌથી વધુ દૂષિત જાહેર થઈ હતી. કેન્દ્ર સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી.
આ મૂલ્યાંકન બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી) પર આધારિત છે, જે જળ પ્રદૂષણનું મુખ્ય સૂચક છે. તે પાણીમાં કાર્બનિક પદાર્થોને વિઘટિત કરવા માટે સૂક્ષ્મજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની માત્રાને માપે છે. બીઓડીનું ઉચ્ચ પ્રમાણ વધુ કાર્બનિક કચરો દર્શાવે છે. જે ઓક્સિજનનું સ્તર ઘટાડે છે અને જળચર જીવનને જોખમમાં મૂકે છે.
આપણ વાંચો: ગાંધીનગરઃ રીલ બનાવવા જતા પાંચ મિત્રો સાબરમતી નદીમા ખાબક્યા, એકનું ડૂબીને મોત
આ છે સાબરમતી નદીનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર
કેન્દ્ર સરકારે 2022ના અહેવાલને ટાંકીને લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં નદીઓના 13 વિસ્તારોને પ્રદૂષિત તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ પૈકી છ વિસ્તારોને પ્રાયોરિટી-1 (સૌથી વધુ પ્રદૂષિત), પ્રાયોરિટી-2, 3 અને 4 માં એક-એક, જ્યારે ચાર વિસ્તારોને પ્રાયોરિટી-5 (ઓછામાં ઓછા પ્રદૂષિત) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
જોકે, પ્રદૂષિત નદીના વિસ્તારોની સંખ્યા 2018માં 20 હતી તે ઘટીને 2022માં 13 થઈ હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રાયસણથી વૌઠા વચ્ચેનો સાબરમતી નદીનો વિસ્તાર ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત છે, જેમાં બીઓડીનું પ્રમાણ 292 મિલિગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું.
આપણ વાંચો: સાબરમતી નદીમાં ચાલતુ સફાઈ અભિયાન પૂર્ણ, 90 હજાર લોકોએ મળીને 901 મેટ્રિક ટન કચરો કાઢ્યો
કોણે પૂછ્યો હતો પ્રશ્ન
ગુજરાતના સાંસદ મુકેશ દલાલે સરકાર પાસે ગુજરાતમાં નદીઓના પ્રદૂષણના સ્તર અંગે વ્યાપક ડેટા છે કે કેમ અને રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત નદીઓની વિગતો માંગી હતી. તેમણે ગુજરાતની નદીઓમાં પ્રદૂષણના પ્રાથમિક સ્ત્રોતો અને પ્રદૂષિત નદીઓને સાફ કરવા અને કાયાકલ્પ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી ચોક્કસ પહેલની વિગતો પણ માંગી હતી.
લોકસભામાં તેમના પ્રશ્નમાં, સાંસદે ગુજરાતમાં નદી સફાઈ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવેલી નાણાકીય ફાળવણી, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલ વાસ્તવિક ખર્ચ અને રાજ્યમાં ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને ધ્યાનમાં રાખીને વધુ નદી પ્રદૂષણને રોકવા અને ટકાઉ જળ સંસાધનો સુનિશ્ચિત કરવા માટે કઈ લાંબા ગાળાની નીતિઓ ઘડવામાં આવી છે તેની વિગતો માંગી હતી.
કેન્દ્રીય જલ શક્તિ રાજ્ય પ્રધાન, રાજ ભૂષણ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં નદીઓ મુખ્યત્વે શહેરો અને નગરોમાંથી છોડવામાં આવતા અશુદ્ધ અથવા અંશતઃ શુદ્ધ કરાયેલા ગટરના પાણી અને ઔદ્યોગિક ગંદા પાણી, ઘન કચરાનો નિકાલ, કૃષિ પ્રવાહ, ગટર અથવા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ્સના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ, પાણીના ઓછા પ્રવાહ અને પ્રદૂષણના અન્ય બિન-નિશ્ચિત સ્ત્રોતોને કારણે પ્રદૂષિત થયા હતા.
પ્રધાને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણથી પડકારો વધુ વકર્યા છે. પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ માટે પ્રાપ્તકર્તા જળસ્રોતો અથવા જમીનમાં છોડતા પહેલા ગટર અને ઔદ્યોગિક ગંદા પાણીની જરૂરી ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓની છે.
આપણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટ પર બદલાશે નજારો: સાબરમતી નદી સુકાશે, જાણો કારણ
આ છે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓ
ગુજરાતમાં નદીઓના પ્રદૂષણને રોકવા માટેના પગલાં અંગે માહિતી આપતા પ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી, વિશ્વામિત્રી, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી, દમણગંગા અને તાપી નદીના જળ પ્રદૂષિત થયા હતા.
સૌથી વધુ પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી નદીનો સમાવેશ કરાયો હતો. રાષ્ટ્રીય નદી સરંક્ષણ યોજના અમલમાં છે, ત્યારે કેન્દ્રએ સાબરમતી, તાપી અને મીંઢોળા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે 1875 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. તે પૈકી છેલ્લાં પાંચેક વર્ષમાં 559 કરોડ રૂપિયા ચૂકવાયાં છે.
નદીઓમાં વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે પણ ટ્રીટમેન્ટ કરેલું પાણી જ નદીમાં ઠાલવવા ગાઈડલાઇન જાહેર કરી હતી. આ ઉપરાંત વર્ષ 2021માં ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ એવી ફટકાર લગાવી હતી કે, કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવુ નહીં, માત્ર ટ્રીટ કરેલું પાણી જ નદીમાં ઠાલવવું. જોકે કોર્ટની ગાઈડલાઇનનો કોઈ અમલ થતો નથી.