મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ‘વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડીશ’
લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ચુકી છે, તેની સાથે-સાથે ગુજરાતમાં 7 મેના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ 7 બેઠકો પૈકીની એક વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે, હવે ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમની સામે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કટ્ટર રાજકીય વિરોધી અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોંગ્રેસના લોકોને ભ્રષ્ટાચાર કરવો છે, જેથી કોંગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યા છે. આ તો વોશિંગ મશીન જેવુ છે. ખરડાયેલા હોય અને વોશિંગ મશીનમાં નાખો એટલે શુદ્ધ થઇને આવી જાય. આ ભાજપની નીતી છે. આવા લોકોને લઇને ભાજપ એક દિવસ પસ્તાશે. જે દિવસે નરેન્દ્ર મોદી નહીં હોય, એ દિવસે ભાજપને બહુ મોટી તકલીફ પડવાની છે.
મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે ભાજપ વાઘોડિયામાં છે જ નહીં. ભાજપને વાઘોડિયામાં લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયામાં ભાજપ હોત તો ગત વખતે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ ચૂંટણી જીતી ગયા હોત. લોકોની ખોટી જમીનો લીધી હોય, ઓઇલનો ધંધો કરવો હોય, એવા કોઇ ધંધા કરવા માટે તમે ભાજપમાં પાછા આવો છો.
તેમણે ઉમેર્યુ હતું કે, ‘ભાજપ છોડીને કોઇપણ પાર્ટી ટિકિટ આપશે, તેમાંથી હું લડવાનો છું અને ભાજપની વિરુદ્ધ જવાનો છું. ખુલ્લુ મેદાન છે, હું તો લડવાનો છું. લડવાની તો ચિંતા નથી, હિન્દુસ્તાન આઝાદ છે. દરેકે લડવું જોઇએ. હું પણ લડવાનો છું. ભાજપને છોડીને લડવાનો છું. હું અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો, ત્યારે ભાજપ મને પરત લઇ આવી હતી અને ભાજપે ટિકિટી આપી અને ભાજપે સતત 5 વખત ટિકિટ આપી અને 5 વખત ભાજપને જીતાડ્યું હતું’