માધાપર નજીક ટ્રકમાં અમદાવાદ તરફ લઈ જવાતાં 417 ઘેટાં બકરાં કરાવાયાં મુક્ત
ભુજ: કચ્છના લખપતના દયાપર અને દેશલપર ખાતેથી 417 ઘેટાં બકરાંને ક્રૂરતાપૂર્વક ભરીને જતી બે ટ્રકોને ભુજના માધાપર પાસેથી પકડી પાડી બંને ટ્રકચાલકો વિરુધ્ધ પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધી ઘેટાં બકરાંને રૂદ્રાણી જાગીર ખાતે મોકલી આપ્યાં હતાં જ્યાં અબોલ જીવોની દુર્દશા જોઈ, રોષે ભરાયેલા જીવદયાપ્રેમીઓના ટોળાંએ બે શખ્સ પર હુમલો કરી ઢોરમાર માર્યા હતા.
બનાવ અંગે માધાપરના પી.એસ.આઈ બી.એ. ડાભીએ જણાવ્યું હતું કે, ગત મધરાત્રે અઢી વાગ્યાના અરસામાં કેટલાંક જીવદયાપ્રેમીઓએ પોલીસ સ્ટેશને આવીને ઘેટાં બકરાં ઠાંસોઠાંસ ભરીને બે ટ્રક નળવાળા સર્કલથી શેખપીર તરફ જતી હોવાની જાણ કરી હતી. પોલીસે માધાપર ચોકડી પાસે બંને ટ્રકને અટકાવી તલાશી લેતાં અમદાવાદના રાણીપ મઢી ખાતે જઈ રહેલી બંને ટ્રકમાંથી કુલ 417 ઘેટાં બકરાં મળી આવ્યાં હતાં જેમાંથી બે ઘેટાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. ભીષણ ગરમી વચ્ચે બંને ટ્રકમાં પાણી કે ઘાસચારાની સગવડ પણ હતી નહીં તેમજ અબોલ જીવોની હેરફેર માટેની કોઈ પાસ પરમિટ ના હોવાના આધાર પર પોલીસે 5.26 લાખના મૂલ્યના ઘેટાં બકરાં તથા 8-8 લાખની બે ટ્રક મળી 24.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ટ્રકચાલક અઝહરુદ્દીન સિધિક મુતવા (રહે. ગોરેવલી, ખાવડા) અને મુસ્તાક અબ્બાસ સુણાસરા (રહે. સિધ્ધપુર, પાટણ) વિરુધ્ધ ગુનો દાખલ કરી અબોલ જીવોને રૂદ્રાણી જાગીર મોકલી આપ્યાં હતાં.
આ પણ વાંચો : ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઈ શ્રી Ram Janmabhoomiની સ્ટેમ્પ
દરમિયાન, પરોઢે છ વાગ્યાના અરસામાં રુદ્રાણી જાગીર નજીક આવેલી હોટેલ ખાતે જીવદયાપ્રેમીઓના ટોળાંએ હુમલો કરીને ત્રણ જણને માર માર્યો હોવાનું મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે. મામદ નુરમામદ (પાનધ્રો) અને ઈસ્માઈલ જુમા જુણેજા (દેશલપર)ને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા તમામને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હોવાનું પી.એસ.આઈ ડાભીએ જણાવ્યું હતું.