કચ્છમાં ફરી લમ્પી વાયરસની દહેશત, માલધારીઓ ચિંતામાં મૂકાયા…
ભુજઃ આજથી બરાબર બે વર્ષ અગાઉ ગૌવંશ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાયરસે અબડાસા પંથકના ગૌવંશોમાં ફરી દેખા દેતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના જાણીતા ગૌ પ્રેમી જય ભાટિયાએ જણાવ્યું હતું કે, અબડાસાના ગરડા ઉપરાંત ખાનાય સહિતનાં ગ્રામ્ય વિસ્તારોના મુખ્યત્વે રખડતાં ગૌવંશમાં લમ્પી ચર્મરોગમાં આખા શરીર પર થતી એવી જ નાની-મોટી ગાંઠ નીકળતી જોવા મળી રહી છે જે એક મોટી ચિંતાજનક બાબત કહી શકાય. પશુઓ અશક્ત બની ગયા બાદ મોતને ભેટી રહ્યાં છે. અતિભારે વરસાદ બાદ સીમાડાઓમાં હજુ પાણી ઓસર્યાં નથી, બીજી બાજુ ભારે વરસાદથી જમીનમાંથી સન સતત વહ્યા કરે છે, જેના કારણે પશુઓના પગ પાણીમાં રહેતા હોવાથી ઇન્ફેક્શન થતું હોય છે અને રોગનો શિકાર થાય છે.
ગરડા વિસ્તારના આગેવાન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ તરફથી હજુ સુધી કોઇ આ વિસ્તારમાં પગલાં લેવામાં આવ્યા નથી.અબડાસા અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં પશુપાલકોએ રખડતા મૂકી દીધેલા ગૌવંશમાં લમ્પીના નિશાન જોવા મળ્યા છે ત્યારે તકેદારીના પગલા રૂપે સ્થાનિક તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : કચ્છમાં ફેલાયેલા અજાણ્યા રોગથી હાહાકાર, એક જ સમુદાયના 12ના જીવ ગયા, તંત્ર જાગ્યું
નાયબ પશુપાલન નિયામક શાખાના ડો.હરેશ ઠક્કરે કચ્છમાં લમ્પીના ફેલાવાને રોકવા અને ગૌવંશ માટે પૂરતી સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ટૂંક સમયમાં ગાયો પર સર્વે કરવા માટે ખાસ તાલીમબદ્ધ ટુકડીઓને મોકલવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા આ રોગના લીધે હજારો ગૌવંશના મૃત્યુ થયા હતા અન ઠેર ઠેર ગાયોના મૃતદેહો પડ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. આ રોગની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે જોવા મળી હતી અને ગૌપ્રેમીઓ સરકારની કામગીરીથી નારાજ હતા ત્યારે હવે જ્યારે ફરી આ રોગ ફેલાયાના સંકેતો મળી રહ્યા છે ત્યારે સરકાર એક પણ ક્ષણ વેડફ્યા વિના વહેલી તકે સર્વે કરી ઉપાયયોજના હાથ ધરે જેથી આ ચેપી રોગ અટકી જાય તેવી માગણી માલધારીઓ કરી રહ્યા છે.