પ્રેમીએ નાળામાં ડુબાડી પ્રેમિકાની હત્યા કરી, એક મહિના પહેલા જ સાથે જીવવાના સોગંદ ખાધા હતા
અમદાવાદ: જિલ્લાના દેત્રોજ ગામમાં મામલતદાર કચેરી નજીક આવેલા વરસાદી નાળામાંથી આજથી દસેક દિવસ પૂર્વે મળી આવેલા અજાણ્યા મહિલાના મૃતદેહ અંગેનો ભેદ આખરે ઉકેલાયો છે.
સરહદી કચ્છના બંદરીય મુંદરા તાલુકામાં આવેલા મફતીનગર કુંદરોડી ગામમાં રહેનારી મહિલાની તેના પ્રેમીએ હત્યા કરી હતી. મહિલાનું ગળું દબાવી અર્ધ બેભાન કર્યા બાદ પ્રેમી તેને પાણીના નાળામાં ફેંકી દીધી હતી.
અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે રોષે ભરાયેલા પ્રેમીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગત 23મી ઓક્ટોબરના રોજ મામલતદાર કચેરી તરફ જવાના માર્ગ પરના વરસાદી નાળા પાસેથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. ઓળખ લગભગ અશક્ય થઈ ગઈ હતી, ત્યાર બાદ ગુમ થયેલા લોકો અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફોટા વિવિધ પોલીસ મથકોએ મોકલવામાં આવ્યા તે દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય એલસીબીને દેત્રોજમાં રહેતા ગોવિંદજી ઠાકોર નામના શખ્સે તેની પ્રેમિકાની હત્યા કરી હોવા અંગે માહિતી મળી હતી. પ્રેમીઓએ એકાદ માસ અગાઉ જ મંદિરમાં ફૂલહાર કર્યા હતા જેના આધારે પોલીસે તપાસ કરતા કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં આવેલા મફતીનગર કુદરોઠિ ગામની મીનાબેન ચૌહાણનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું.
મીનાબેનને છેલ્લા છ વર્ષથી દેત્રોજના ગોવિંદજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો. એક મહિના પહેલા કડી ખાતે આવેલા જોગણી માતા મંદિરે બંને ફૂલહાર કરી સાથે જીવન જીવવાના સોગંદ ખાધા હતા. જોકે, ગોવિંદજીને શંકા જતાં તેણે ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ બેભાન થયેલી ગયેલી પ્રેમિકાને નાળામાં ફેંકી દીધી હતી..
દેત્રોજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.