લવ સ્ટોરી, અપશબ્દો, કામસૂત્ર.. બીએ-બીકોમની પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ તમામ હદો કરી પાર..

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ-બીકોમની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પેપરમાં લવસ્ટોરી, કામસૂત્રની વાર્તાઓ તથા પ્રોફેસરો માટે અપશબ્દો લખ્યા હતા, આ મામલે 6 વિદ્યાર્થીઓ પકડાયા છે અને તેમને પરિણામમાં શૂન્ય ગુણ આપીને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગત મહિને યોજાયેલી બેચલર્સ ઓફ કોમર્સ અને બેચલર્સ ઓફ આર્ટ્સની પરીક્ષામાં કુલ 6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ લખવાને બદલે અભદ્ર ભાષાપ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, પોતાના મિત્રોની પ્રેમ કહાની લખી હતી.
સમગ્ર મામલો બહાર આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ સામે પગલા લેવાયા હતા, તેમણે વાઇસ ચાન્સેલર પાસેથી ઠપકો મળ્યા બાદ તેમણે પોતાની ભૂલ કબૂલી અને માફી પણ માગી હતી. હવે આ ઘટના બાદ વીર નર્મદ યુનિવર્સિટીએ પોતાના નિયમો બદલ્યા છે. જો કોઇ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીઓને માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.