દસ પછી બસઃ અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ

આગામી તા.19 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પોલીસે ગણેશ પંડાલો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે જેમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ કરવાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં આ વર્ષે અંદાજે 850 ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવશે જેમાંથી પશ્ચિમ અમદાવાદમાં જ 300 પંડાલો હશે. ગણેશ મહોત્સવ દરમિયાન પંડાલો પાસે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પંડાલના સ્વયંસેવકો અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવનાર છે.
આ ઉપરાંત પંડાલ ખાતે એક ઇલેક્ટ્રીશિયન હાજર રાખવાનો રહેશે અને જો વિજળી જાય તો બેકઅપ માટે જનરેટર પણ રાખવાનું રહેશે.
આ ઉપરાંત રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો બંધ કરવાના રહેશે અને સાઉન્ડ સિસ્ટમનો અવાજ પણ માન્ય ડેસિબલની લિમિટ સુધી સિમિત રાખવાનો રહેશે. આમ લોકો મહોત્સવ માણી શકે અને સાથે સાથે કોઇ ગેરવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન પંડાલના આયોજકોએ રાખવાનું રહેશે, તેમ એક અહેવાલમાં જણાવ્યું છે.