ગાંધીધામમાં 42 વર્ષે પુરુષને બીજી વખત પરણવાનું ભારે પડ્યું, જાણો હકીકત?
ભુજઃ રાજ્યમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. ૪૧ વર્ષે બીજી વાર પરણવાનો અભરખો ગાંધીધામ શહેરની નવી સુંદરપુરીમાં રહેતા દરજીને મોંઘો પડ્યો હતો. મહારાષ્ટ્રના નાગપુરની બે યુવતીઓ તેની સાથે સવા લાખ રૂપિયાની ઠગાઈ આચરીને ભાગી છૂટતાં ચકચાર મચી ગઈ હતી.
કપડાં સિવડાવવા આવેલી યુવતી કહી આ વાત
આ અંગે ગાંધીધામની નવી સુંદરપુરીના રહેતા દિનેશ દામજી સથવારાએ બનાવ અંગે આદિપુરની મહિલા દલાલ સહિત ત્રણ મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વરસ અગાઉ તેના લગ્ન લેવાયાં હતાં પરંતુ એક વરસ બાદ છૂટાછેડાં થઈ ગયા હતા. તેની દુકાને ગત ૨૫મી જુલાઈ, ૨૦૨૪ના રોજ કપડાં સિવડાવવા આવેલી આદિપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતી પ્રકાશબા નામની મહિલાએ ફરી લગ્ન કરવા હોય તો મારા ધ્યાનમાં એક છોકરી છે તેમ કહેતાં દિનેશે હા પાડી હતી.
Also read: ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી
બીજા દિવસે પ્રકાશબાના ઘેર તેના બેન- બનેવી સહિતના સંબંધીઓ જોડે છોકરી જોવા ગયો હતો. પ્રકાશબાના ઘરે સવિતા શૈલેષ ઈંગ્લે (ઉ.વ. ૨૪, રહે. નાગપુર, મહારાષ્ટ્ર) અને તેની બહેન ગુંજન (રહે. સુરત) હાજર હતાં. સવિતાના છૂટાછેડા થયા હતા. દિનેશે સવિતા જોડે લગ્ન કરવાની હા પાડવા ઉપરાંત સાળીના લગ્નના નામે ૮૦ હજાર આપ્યા હતા. લગ્નની હા પાડ્યાં બાદ સવિતાની બહેન ગુંજનને પણ લગ્નના ખર્ચના ૮૦ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા.
દુકાને જવાનું કહીને નાસી ગઈ
ગત ત્રીજી ઑગસ્ટના રોજ સવિતા સાથે દિનેશના લગ્ન લેવાયાં હતા અને સવિતાએ દિનેશને વિશ્વાસમાં લઈને તીજોરીની ચાવી મેળવી, દાગીના પહેરવાના નામે સવિતા ૩૦ હજાર રોકડાં અને ૧૫ હજારના દાગીના મળી ૪૫ હજારની માલમતા ચોરીને ૧૦-૦૮-૨૦૨૪ની બપોરે દુકાને જવાનું કહીને નાસી ગઈ હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રકાશબા, સવિતા અને ગુંજન ઈંગ્લે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.