Loksabha Election 2024: ભરુચ સીટ પર મંડાશે ખરાખરીનો ખેલ, વસાવા vs વસાવા
ગાંધીનગર: આગામી 2024ની લોકસભા ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાએર કરી દીધી છે. જેને લઈને તમામ પક્ષો પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ કરવા લાગ્યા છે. આ વખતે ભરુચ સીટ પર ભાજપ અને આમ આદમી વચ્ચે ખરા ખરીનો ખેલ મંડાશે. AAP તરફથી ભરુચ સીટ પર પોતાના લડાકુ નેતા ચૈતર વસાવાને (Chaitar Vasava AAP) મેદાને ઉતાર્યા છે. તો સામા પક્ષે BJP એ પણ તેનું પત્તું રમ્યું છે અને તેની સામે મનસુખભાઇ વસાવાને (Mansukh Vasava) ટિકિટ આપીને બંને નેતાઓને આમને સામને કરી દીધા છે.
ગુજરાતમાં કોંગ્રેસ અને AAP I.N.D.I.A ગઠબંધન હેઠળ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને મનાવવામાં AAP સફળ રહી હતી. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ આ સીટ પરથી આદિવાસી નેતા ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
ગુજરાતની ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વસાવા vs વસાવા જંગ છે. મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી સતત 6 વખત જીત્યા છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા બાદ ભાજપે પણ આદિવાસી પ્લેકાર્ડ રમ્યુ હતું અને આ બેઠક પર પોતાની ટિકિટ જાળવી રાખીને મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું.
મનસુખ વસાવા ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ આ વિસ્તારમાં મહત્વના આદિવાસી ચહેરા તરીકે જાણીતા છે. મનસુખ વસાવા આ બેઠક પરથી સતત 6 વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
મનસુખ વસાવા 1998માં અહીંથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓ સતત ભરૂચમાંથી જીતી રહ્યા છે. મનસુખ વસાવા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. લોકોમાં મનસુખ વસાવાની આ બેઠક પર ખૂબ જ મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના રાજકારણમાં ચૈતર વસાવા આદિવાસી સમાજમાં પણ ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે. તેઓ હાલમાં આમ આદમી પાર્ટીનો મહત્વનો ચહેરો છે અને હાલમાં તે જ પાર્ટીના ધારાસભ્ય પણ છે.
ચૈતર વસાવા 8 ડિસેમ્બર 2022થી ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વન કર્મચારીઓને ધમકાવવાના આરોપમાં તે છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં હતા.
અરવિંદ કેજરીવાલ પણ તેમને જેલમાં મળવા ગયા હતા. ભરૂચમાં વસાવા સમુદાયની વસ્તી અંદાજે 38 ટકા જેટલી છે. દેડિયાપાડા વિધાનસભા પણ ભરૂચ લોકસભામાં આવે છે.