કોની પસંદગી થઈ શકે? કોને મળશે ટિકિટ?

રાજકોટ: અત્યારે લોકસભા ની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પક્ષ દર વખતની જેમ ઉમેદવારોની પસંદગીમાં અગ્રેસર સાબિત થશે. સેન્સ લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિની બેઠકો પણ પૂર્ણ થઈ ગઈ અને હવે દિલ્હી ખાતે હાઈ કમાન્ડ જે નક્કી કરશે તેની તરફ લોકો મિટ માંડીને બેઠા છે.
આમ તો ઉમેદવાર ની પસંદગીમાં પહેલા બે તબક્કા છે તે માત્ર ફોર્માલિટી છે નક્કી તો હાઈ કમાન્ડ કરશે તે જ રહેશે.
રાજકોટ ઉપરાંત અન્ય બેઠકો માટે લોકોમાં જે નામો ચર્ચા રહ્યા છે અને સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ રાજકોટ ખાતે ઘણા વખતથી લોકસભા માટે પ્રયત્ન કરી રહેલા ડોક્ટર ભરત બોઘરા નું નામ લેવાઈ રહ્યું છે પરંતુ જ્ઞાતિવાદી સમીકરણ અને ભારતીય જનતા પક્ષમાં કારકિર્દીના વર્ષોની ગણતરી કરવામાં આવે તો તેમની શક્યતા ઘટી જાય છે પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ગુડ બુકમાં છે એટલે જો તેમનું ચાલશે તો જ શક્યતા છે.
બીજી શક્યતા પ્રમાણે પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા જેમને રાજ્ય સભામાં રીપીટ કરવામાં આવ્યા નથી એટલે તેમને સાચવવા અને પરંપરાગત કડવા પટેલની સૌરાષ્ટ્રની સીટ ગણો તો રાજકોટ ઉપર કદાવર કડવા પાટીદાર નેતા તરીકે પુરુષોત્તમ રૂપાલા નું નામ વધુ આગળ ચાલે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ઘણા પાટીદાર નેતાઓ તેમનાથી વિમુક્ત થયેલા પરંતુ ત્યારે પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી તથા આનંદીબેન આ ત્રણ નેતાઓ તેમની સાથે જ રહ્યા હતા ને મોદી સાહેબને ગુજરાતમાં ફરી સ્થાપિત કરવા માટેનો સિંહ ફાળો છે.
જામનગરની બેઠક માટે પૂનમબેન નું નામ ચર્ચાઈ રહ્યું નથી. તેની જગ્યાએ ઓબીસીમાંથી મુળુભાઈ બેરા નું નામ મજબૂત રીતે મુકાયું છે.તેવા સંજોગોમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની વાત આવે તો રાજકોટ ખાતેની બેઠક સૌથી સલામત ગણી શકાય.એટલે અહીં મહિલા ઉમેદવાર પણ આવી શકે તેવા સંજોગોમાં અત્યારના સંસદ મોહન કુંડારીયા ને ફરી રીપીટ ન કરે તો તેમની પસંદગી પ્રમાણે મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સ્થિત ગુજરાત મહિલા ભાજપના પ્રમુખ જે કડવા પાટીદાર છે. તેમની શક્યતા નકારી શકાય નહીં. અને રાજકોટ શહેરના મહિલા ભાજપના પ્રમુખ પણ કડવા પાટીદાર છે. ઉપરાંત અન્ય બે નામો પણ રાજકોટના જ કડવા પાટીદાર બહેનોના આગળ આવ્યા છે.
પરંતુ અત્યારે એટલું સાંભળવા મળી રહ્યું છે કે રાજકોટને પેરાશુટ ઉમેદવાર મળશે તો નવાઈ નહીં.
અમરેલીની બેઠક પર મનસુખ માંડવીયા નું નામ આવી શકે છે. નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે અને સલામત બેઠકમાંથી તેમને કેન્દ્રમાં લઈ જવા માટે ત્યાંથી લડાવી શકાય. તેમનું નામ ભાવનગરની બેઠક પરથી પણ ચર્ચામાં હતું. પરંતુ પરંપરાગત કોળી સમાજની બેઠક માટે મનસુખભાઈને ત્યાં લડાવવા હિતાવહ નથી.કારણ આપમાંથી કોળી ઉમેદવારનું નામ પસંદ પામ્યું છે એટલે જોખમ લઈ શકાય નહીં.
પોરબંદરની બેઠક પર હાલના સંસદ રમેશભાઈ પણ ફરી પસંદગીના પામે તો નવાઈ નથી. તેની જગ્યાએ યુવા ભાજપમાંથી એક પ્રશાંત કોરાટ નું નામ પણ ચર્ચામાં છે. સુરેન્દ્રનગરની બેઠક માટે કુવરજીભાઈ બાવળિયાએ સાદર અનાદર કરતા મહિલા કોળી ઉમેદવાર પસંદગી પામે તેવું બને. અને જો કોઈ સક્ષમ ઉમેદવાર ન મળે તો કુંવરજીભાઈ ને ફરજિયાત ત્યાં લડવા મોકલવા પડે. બાકી ડોક્ટર મહેન્દ્ર મુજપરા ફરી રીપીટ થાય તેવી શક્યતા નહિવત છે.
હાલ તો અંગત સૂત્રો માંથી જે નામો આવે છે તે પ્રમાણે ચર્ચા થઈ રહી છે.પરંતુ ભૂતકાળમાં એવું બન્યું જ છે કે જે નામ નું કોઈએ વિચાર્યું જ ના હોય તેવા ઉમેદવારો પસંદગી પામ્યા છે.અને ચૂંટાયા પણ છે. એકાદ બે દિવસમાં જ ઉમેદવારોની પસંદગી થઈ જશે એટલે આ ચર્ચાનો અંત આવશે.