લોકસભા ચૂંટણી: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16મીએ ફોર્મ ભરે તો આશ્ચર્ય થશે નહીં

રાજકોટ: હાલ રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો મામલો ચર્ચામાં છે. શરૂઆત થઈ ત્યારે લગભગ એવું લાગતું હતું કે ઉમેદવાર બદલાશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ઝડપે ડેમેજ કંટ્રોલ થયું છે અને ક્ષત્રિય રાજવીઓ તથા આગેવાનોના વિધાનો મીડિયામાં આવી રહ્યા છે તે જોતા 16 તારીખે જંગી જાહેરસભા ભરી અને પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરે તો નવાઈ નહીં.
હાલ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયામાં શરૂઆતમાં જે હદે ક્ષત્રિય આંદોલન દેખાડાઈ કે છપાઈ રહ્યું હતું તે ભાજપના ડેમેજ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજ થઈ શક્યું છે. જોકે આજે પાટણ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ એ નવી રણનીતિ સંદર્ભે એક મીટીંગ નું આયોજન કરેલું એ ઉપરાંત પણ છુટા છવાયા સમાચાર મળી રહ્યા છે કે ક્ષત્રિય આગેવાનો આગામી રણનીતિ ઘડી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ દરેક લોકસભાની બેઠક પર 400 થી વધારે ફોર્મ ભરાય તેવું પણ આયોજન થઈ રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ 384 ઉમેદવાર સુધી EVM મશીન લગાડી શકાય છે એક મશીનમાં 16 નામ આવે એ પ્રમાણે 24 મશીન લગાડી શકાય ત્યાર પછી શું કરવું તે તંત્ર પણ વિચારતું થયું છે. આ અંગે જો ઉમેદવારી પત્રો 400 ઉપર જાય તો શું કરી શકાય વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે તેની પણ ચર્ચાઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે.
કદાચ 384 થી ઓછા ઉમેદવારના ફોર્મ ભરાય તો પણ આટલા બધા ઈવીએમ મશીન સરકારી તંત્ર પાસે હોય કે કેમ અને જો જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક કઈ રીતે વ્યવસ્થા ઊભી કરી શકાય તે અંગે પણ ચર્ચાઓ ઉચ્ચસ્તરીય શરૂ થઈ ગઈ છે.
હાલ ચુંટણી અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ 385 મી ઉમેદવારી નોંધાય તો બેલેટ પેપર અનિવાર્ય બની જાય. તો વિપક્ષની માંગણી આપોઆપ સંતોષાય જાય.