લોકસભા ચૂંટણી: ભાજપના ચારથી વધુ સાંસદોની ટિકિટ કપાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં ફરી લોકસભાની ૨૬ સે ૨૬ બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરી અંત સુધીમાં થવાની સંભાવના છે. બીજી બાજુ હાલના સંજોગોમાં ગુજરાતના સાંસદોમાં કોની ટિકિટ રહેશે અને કોની કપાશે તે ચર્ચાઓ જોવા મળી રહી છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે, ભાજપના વર્તમાન ૨૬ સાંસદોમાંથી ચારથી વધુની ટિકિટ કપાશે. રાજ્યમાં આગામી લોકસભાની તૈયારીઓના ભાગ રૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપના દિગજજ નેતાઓના ગુજરાતમાં આટા ફેરા વધી ગયા છે. ગુજરાતની તમામ ૨૬ બેઠક હાલ ભાજપ પાસે છે, પરંતુ ભાજપે તાજેતરમાં કરાવેલા એક સર્વે અનુસાર રાજ્યની પાંચ બેઠકો પર પક્ષની નબળી સ્થિતિ સામે આવતા કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૭૫ વર્ષની વય આસપાસ પહોંચેલા મહેસાણાના સાંસદ શારદા પટેલ, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, વલસાડના સાંસદ કે.સી.પટેલ તેમ જ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ભાઈને ટિકિટ ના મળતા અપક્ષ ઊભા રાખનાર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની ટિકિટ કપાવવાની સંભાવના પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત, સતત પાર્ટી વિરોધી નિવેદનો કરનારા નર્મદાના સાંસદ મનસુખ વસાવાની પણ ટિકિટ કપાવવાની સંભાવનાઓ પણ ચાલી રહી છે.