લોકસભા ચૂંટણી સંગ્રામ 2024
ત્રીજા તબક્કાનું મતદાન જારીઃ ક્યાંક લાંબી લાઇનો તો ક્યાંક મતદાનનો બહિષ્કાર

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે મતદાન જારી છે. કુલ 93 બેઠકો માટે થઇ રહેલા મતદાન માટે 1300 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 120 મહિલાઓ છે, જ્યારે લાયક મતદારોની સંખ્યા 11 કરોડથી વધુ છે. ભાજપનું ભાવિ દાવ પર લાગેલું છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાત, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્થિત આમાંથી મોટાભાગની બેઠકો જીતી હતી.
વડા પ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના વિધાન સભ્ય રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે.
મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને બારામતીથી એનસીપીના ઉમેદવાર સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પુણેમાં અને અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુર ખાતે મતદાન કરી લીધું છે.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સંભલ લોકસભા સીટના બિલારી સ્થિત ઈબ્રાહીમપુર ગામમાં મતદાન કરવા માટે સવારથી જ મતદારો લાઈનમાં ઉભા છે. પરંતુ ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા બુથ નંબર 139 પર દોઢ કલાક સુધી મતદાનને અસર થઈ હતી. આગ્રામાં ઘણી જગ્યાએ બગડેલા EVM બદલવામાં આવ્યા હતા. ફિરોઝાબાદના સિરસાગંજ વિસ્તારના નાગલા બુધુઆ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. ગામની સમસ્યાઓને લઈને ગ્રામજનો એક થયા છે. જેના કારણે બૂથ ખાલી રહ્યા હતા. કોઈ પણ ગ્રામીણે પોતાનો મત આપ્યો નથી. બરેલી લોકસભા મતવિસ્તારના નવાબગંજ તહસીલના નાવડિયા કિસાબ ગામમાં રોડ બનાવવાની માગણી સાથે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો હાથરસ ખાતે એક વ્યક્તિ મતદારોને મતદાન કરવાથી રોકી રહ્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યો છે.
આજે ત્રીજા તબક્કામાં જે બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, પશ્ચિમ બંગાળની 4-4 બેઠકોનો અને આસામ અને ગોવાની 2 બેઠકોનો સમાવેશ થાય છે.
