જૂનાગઢ સીટના ભાજપ ઉમેદવાર રાજેશ ચૂડાસમા સામે લોહાણા સમાજ લાલઘૂમ, ટિકિટ રદ કરવાની માગ બુલંદ
ગુજરાતમાં કેટલીક સીટો પર ભાજપના ઉમેદવારો સામે જનાક્રોસ વધી રહ્યો છે, રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર અને અગ્રણી નેતા પુરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. રાજકોટ બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. જૂનાગઢ સીટ પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા સામે લોહાણા સમાજ મેદાને પડ્યો છે. જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ઉમેદવારી રદ કરવાની માગને બુલંદ કરવા આજે રાત્રીના વેરાવળમાં રઘુવંશી લોહાણા સમાજની મહત્વની બેઠક મળવાની છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલે છે કે પછી રાજેશ ચૂડાસમાને જ ચૂંટણી લડાવશે?
ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાને ભાજપ દ્વારા ફરી રિપીટ કરાતાં રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ગત રાત્રિના લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી સમાજની આક્રોશ સાથે બેઠક યોજાઇ હતી. રઘુવંશી લોહાણા સમાજની માત્ર એક જ માગ છે કે રાજેશ ચૂડાસમાની ટિકિટ રદ કરવામાં આવે. આમ છતાં જો ભાજપ તેમને જ લડાવશે તો કારમો પરાજય આપવા માટે સમાજની મિટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણ ટંકાર કર્યો હતો. લોહાણા સમાજની માગ છે કે જો ભાજપ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે, રાજેશ ચૂડાસમાની પર ડૉ.ચગના આપઘાતનો ડાઘ લાગેલો છે.
આ પણ વાંચો : રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર
આ દરમિયાન સ્વ.ડો.અતુલ ચગના પુત્ર હિતાર્થે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરતા કહ્યું કે, મારા પિતાના કેસમાં સમાધાન થતાં સુખદ અંત આવ્યો છે. ચૂંટણી સમયે ડો.ચગના નામનો ઉપયોગ કરી કોઈ મીટીંગ કે સંમેલન ન કરવા અપીલ કરી હતી. હિતાર્થે ચગએ પત્રકાર પરિષદમાં ફક્ત સાથે કાગળમાં લખીને આવેલા મુદ્દાઓ જ વાંચ્યા હતા. જ્યારે પત્રકારોના ડો.ચગના કેસમાં કેવું ? કોની સાથે ? કોની હાજરીમાં ? કઈ રીતે સમાધાન થયું તેવા એકપણ સવાલનો જવાબ આપવાના બદલે પત્રકાર પરિષદ છોડીને ચાલતી પકડી હતી. ત્યારે પત્રકાર પરિષદમાં હિતાર્થેના વર્તનને લઈ અનેક તર્કવીતર્કો સર્જાયા છે.