ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી

ગુજરાત પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે. ગુજરાત પોલીસને 100 કલાકમાં અસમાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે રાજ્ય ગૃહવિભાગમાંથી ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત પોલીસે આવા લોકોની યાદી તૈયાર કરી લીધી છે. રાજ્યભરથી 800થી પણ વધારે પોલીસ સ્ટેશન દ્વારા કુલ 7,612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકો સામે હવે પોલીસ કાયદેસર કાર્યવાહી કરવાની છે.
72 કલાકની અંદર અસામાજિક તત્વોની અવૈધ મિલકત થશે ધ્વસ્ત
આ 7,612 અસામાજિક તત્વોની વિગતે વાત કરવામાં આવે તો, 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સબંધી ગુનો કરનાર, 958 મિલકત સબંધી ગુનો કરનાર, 179 માઈનિંગ સંબંધિત ગુનેગાર અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનારનો સમાવેશ કરવાામાં આવ્યો છે. આમાંથી પંદર લોકો સામે ગુજરાત પોલીસ ત્વરીત કાર્યવાહી કરવાની છે. આ લોકોની ગેરકાયદેસર મિલકતોને 72 કલાકની અંદર તોડી પાડવામાં આવશે અને સાથે સાથે વીજળી જોડાણો પણ કાપી નાખવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધીમાં 16 લોકોની અવૈદ્ય મિલકતને તોડી પાડવામાં આવી છે. બાકીના લોકો સામે પણ જલદી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોનો સંપર્ક કર્યો. એટલું જ નહીં પરંતુ મહેસાણા, ભરૂચ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી
ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે, અમે કેટલાક વ્યક્તિઓને નોટિસ પણ પાઠવી છે. આમાં મહેસાણાનો ગિરીશ ઉર્ફે ટોમી ઉંઝા પટેલનું ના નામ છે, જેની સામે જુગાર અને ક્રિકેટ સટ્ટાબાજીો કેસ છે. આ સાથે રાજકોટનો અલ્તાફ અનીફ પર દારૂની હેરાફેરીને આરોપ છે. કચ્છના પુના ભરવાડ પર ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ તમામ લોકો સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…
પોલીસ અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી
અમદાવાદની વાત કરવામાં આવે તો શહેર પોલીસના 28 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. પોલીસ વડા ડીજીપી જીએસ મલિકે કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ અને સાયબર ક્રાઇમ જેવા વિશિષ્ટ એકમોને મજબૂત બનાવવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા બદલીના આદેશ આપ્યાં છે. રામોલના ઇન્સ્પેક્ટર એસ બી ચૌધરી હવે પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરશે. બાપુનગરથી ઇન્સ્પેક્ટર એડી ગામિતને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે અન્ય ચાર નિરીક્ષકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. એમ.જી. રાઠોડ શહેર કોટડામાં બીજા પીઆઈ તરીકે કામ કરશે. એસ.એ. દેસાઈ આર્થિક ગુના શાખામાં જોડાયા છે. પોલીસ બેડામાં થયેલી બદલીને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
કેટલાક લોકો સામે PASA તર્ગત અટકાયત કરવામાં આવી
આ મામલે પોલીસ અધિકારીએ વિગતો આપતા જણાવ્યું કે, ‘અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7 અને મોરબીમાં 12 લોકો સામે આ પહેલા પણ PASA અંતર્ગત અટકાયત કરવામાં આવેલી છે. આગામી દિવસોમાં, PASA હેઠળ વધુ 100 અસામાજિક તત્વો સામે ગુનો નોંધવામાં આવશે, 265 લોકોની ધરપકડ કરવામાં આવશે. આ સાથે સાથે યોગ્ય પ્રક્રિયા પછી અન્ય વિભાગો સાથે સંકલન કરીને આવા 200 તત્વોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે.’