સોરઠના સાવજોને પણ દરિયા કિનારો ગમી ગયો છે, ગીર છોડી અહીં કરી રહ્યા છે વસવાટ…

અમદાવાદઃ ફરવાના સ્થળ તરીકે મોટા ભાગના લોકોની પહેલી પસંદ દરિયા કિનારો હોય છે, તો મુંબઈ જેવા શહેરોમાં જો તમે સી-ફેસ એપાર્ટમેન્ટમાં રહેતા હો તો તમને કેવી મજા આવે. આ મજા સોરઠના સાવજોને પણ આવી રહી છે. સાસણગીરના સાવજો હવે દરિયાકિનારાને પોતાનું ઘર બનાવી રહ્યા છે, તેમ એક અહેવાલ જણાવે છે.
વિશ્વભરમાં પ્રસિદ્ધ એશિયાટિક સિંહ સાસણ-ગીરના જંગલોમાં જ વસાવાટ કરતા હતા, પરંતુ એક અભ્યાસ પ્રમાણે હવે તેમાંથી ઘણાએ દરિયાકિનારાના વિસ્તારોને પોતાનું નવું સરનામું બનાવી લીધું છે. વર્ષ 2015માં જંગલ છોડી દરિયાકિનારે વસવાટ કરતા સિંહોની સંખ્યા 10 હતી, જે વધીને 134 થઈ છે.
સૌ પ્રથમ વર્ષ 1995માં દરિયાકિનારે સિંહો વસવાટ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ 2020માં થયેલી સિંહોની ગણતરી અનુસાર 100 જેટલા સિંહ સમુદ્રીપટ્ટીમાં વસવાટ કરતા જોવા મળ્યા હતા. જે 2025ની ગણતરીમાં 34 ટકા વધીને 134 થયા છે. રાજ્યનમાં કુલ 891 સિંહ હોવાનું તાજેતરની વસતિ ગણતરીમાં બહાર આવ્યું છે.
વન્યજીવન સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સિંહોને દરિયાઈપટ્ટા આસપાસ શિકાર તો સારો મળી જ જાય છે, પરંતુ અહીંનું વાતાવરણ પણ તેમને માફક આવી રહ્યું છે. ઉનાળામાં આવતા ઠંડા પવનો તેમને રાહત આપે છે. આ સાથે અહીં સિંહોને ગમતા ગાંડા બાવળના ઝાડ મોટી સંખ્યામાં છે. આથી ગુજરાતના દરિયાકિનારે હજુ પણ વધારે સિંહો વસવાટ કરવા આવશે, તેમ પણ નિષ્ણાતો જણાવે છે.
તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર 25 સિંહ ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ દરિયાકિનારે, 94 દક્ષિણ-પૂર્વીય ભાગોમાં અને 15 ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં વસવાટ કરે છે.
આ પણ વાંચો…લડકીયોં સે પંગા નહીં લેનેકાઃ જંગલમાં પણ સિંહણોનું રાજ, સાવજ જેવા સાવજે ભાગવું પડ્યું, જૂઓ વીડિયો