ગુજરાત પર બેવડો ખતરો! કમોસમી વરસાદથી ઊંઝામાં પાણી ભરાયા, જાફરાબાદ બંદરે હાઇએલર્ટ…

અમદાવાદ: રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે. એકતરફ સવારે ઠંડી, બપોરે ગરમી તો વળી ક્યાંક વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝામાં કમોસમી વરસાદના કારણે વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અણધાર્યા વરસાદના પગલે ઉમિયા માતાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગની આગાહીના પગલે તકેદારીના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે 3 નંબરનું (ભયસૂચક) સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
ક્યાં ક્યાં વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.



