ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન

અમદાવાદઃ અગાઉ થયેલી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી રહ્યો છે. ત્રણ-ચાર દિવસથી જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે સોમવારે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે એક તરફ ખેલૈયાઓને નવરાત્રીમાં રમવા નથી મળતું તો બીજી બાજુ ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે વરસાદને લીધે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ચાર ઈંચ વરસાદ ખાબકી પડ્યો હતો. આ ઉપરાંત કેશોદમાં બે ઈંચ, ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને તાલાળામાં 2 ઈંચ, વરસાદ વરસ્યો હતો. ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી. તો વલસાડ, તાપીમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. સોમવારે રાજ્યના સો જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને લીધે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.
આ ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢના ઘણા તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો, પંરતુ અડધોથી એક ઈંચ વરસાદ વરસતા થોડી રાહત થઈ હતી.
આ પણ વાંચો: અતિવૃષ્ટિથી પિડીત ખેડૂતોને 73.91 કરોડની મદદ
મોટાભાગના તાલુકાઓમાં વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. ઘર-દુકાનના છાપરા ઉડ્યા હતા તો વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.
આજે સવારે છ વાગ્યા પહેલા પૂરા થતાં 24 કલાકની વાત કરીએ તો સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે 232 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 4.88 ઇંચ, ઉમરગાંવમાં 4.65 ઇંચ, પાટણ-વેરાવળમાં 4.61 ઇંચ, માંગરોળ (જૂનાગઢ)માં 4.41 ઇંચ, કોડીનારમાં 4.25 ઇંચ, ઉનામાં 4.17 ઇંચ, અંકલેશ્વરમાં 4.17 ઇંચ, ધરમપુરમાં 4.09 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં આજે વરસાદની આગાહીથી ખેલૈયાની બગડી શકે છે મજા, ડાંગમાં 24 કલાકમાં સાડા ઇંચ વરસાદ
જોકે આગાહી પ્રમાણે હજુ એક અઠવાડિયું વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. દરિયાઈ પટ્ટી પર માછીમારોને આગામી દિવસોમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.
બીજી બાજુ રાજ્યભરના મોટા ભાગના શહેરોમાં બે દિવસથી ઓછો-વધુ વરસાદ પડતા નવરાત્રી આયોજકોએ મોટેભાગે રાસગરબાના કાર્યક્રમો રદ કર્યા છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાને કારણે કાદવ-કીચડ હોવાથી મોટા આયોજનો રદ થયા છે, જેને લીધે ખેલૈયાઓ નિરાશ થયા છે. આ સાથે ઠેર ઠેર પાણી ભરાતા વરસાદજન્ય બીમારીઓથી હૉસ્પિટલોમાં દરદીઓની ભીડ જામી છે.
હાલમાં બહારનું ખાવાનું ટાળવાની અને પાણી ઉકાળીને પીવાની તેમ જ ઘરમાં અને આસપાસમાં સ્વચ્છતા જાળવવાની સલાહ તબીબો આપી રહ્યા છે.