GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને ઇંડિયન મેડિકલ એસોસિયેશનને લખ્યો CMને પત્ર

ગાંધીનગર: ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા તેની મેડિકલ કોલેજોમાં કરાયેલ ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફી વધારાને લઈને અમદાવાદના વાલીઓએ GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે. આજે ગુરુવારે વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. આ ફી વધારાના કારણે મધ્યમવર્ગના બાળકોનું ડોક્ટર બનવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ થઈ શકે નહિ અને આથી જ આ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે.
GMERS દ્વારા તા.28મી જૂનના રોજ મેડિકલ કોલેજોમાં ફી વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી કવોટાની બેઠકો માટે વાર્ષિક રૂ.5.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ.17 લાખ ફી જાહેર કરવામાં આવી છે. હાલમાં આ ફીને લઇને વિદ્યાર્થી-વાલીઓમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તાકીદે આ ફી વધારો પાછો ખેંચવાની માગણી કરવામાં આવી છે. જો કે બીજી તરફ ઘણા સમયથી વિદ્યાર્થી-વાલીઓ દ્વારા જુદા જુદા સ્તરે ફી વધારાનો સામનો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ધારાસભ્યથી લઇને જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.

ગતવર્ષે પણ મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલા ફી વધારો કરાતા ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ આ ફી વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. સરકાર પોતાની એટલે કે મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં ફી વધારો કરતી હોય તો સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી ફી વધારો આપવામાં આવ્યો ન હોવાથી આગામી દિવસોમાં ફી વધારાની માગણી કરવામાં આવી રહી છે.
મેડિકલમાં તોતિંગ ફી વધારાના કારણે સામાન્ય વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ જ ન લઇ શકે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ તાત્કાલિક અસરથી ફી વધારો રદબાતલ કરવાની માગણી કરવામાં આવી છે.