ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ
વિશ્વ યુવા દિવસે અમદાવાદમાં કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ‘IMPACT WITH YOUTH’ કોન્ક્લેવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયું છે. માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે.
યુવાનોની સફળતાને દેશની સફળતા ગણાવતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આશરે 60 કરોડનું યુવાધન ધરાવતો આપણો દેશ સૌથી યુવા દેશ છે. યુવાનો જ્યાં છે ત્યાંથી દેશની પ્રગતિમાં જોડાય, દેશની પ્રગતિમાં યોગદાન આપે. ટેકનોલોજીના સદુપયોગ પર ભાર મૂકતા તેમણે ‘માય ભારત પોર્ટલ’નો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ યુવાનોને અપીલ કરી હતી.
આ પણ વાંચો : સ્નાતક ઉમેદવારો માટે ખુશખબર: GPSCની 450 જગ્યા પર આજથી ફોર્મ ભરી શકાશે
પર્યાવરણને પ્રાથમિકતા આપી અને પ્રદૂષણ ઘટાડવા માટેના યુવાનોને સક્રિય પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવી તેમણે યુવાનોને ખેલકુદ અને સાઇકલિંગને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેર્યાં હતા. આ ઉપરાંત કૌશલ્ય વિકાસને કારકિર્દી ઘડતરમાં અતિ અગત્યનું પાસું ગણાવી તેમણે ઉમેર્યું કે, યુવાનોના કૌશલ્ય વિકાસ માટે તાજેતરના કેન્દ્રીય બજેટમાં ઇન્ટર્નશિપ જેવી યોજનાઓની જોગવાઈ કરવામાં આવી છે. જેના દ્વારા એક કરોડ જેટલા યુવાનોને પ્રીમિયમ કંપનીઓમાં ઇન્ટર્નશિપ આપી કૌશલ્યવાન યુવાવર્ગ તૈયાર કરવાનું સરકારનું આયોજન છે. હાલમાં ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં સમય અને શક્તિના રોકાણ પર કેન્દ્રિત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે યુથ આઇકોન નિષ્ઠા પંચાલ, નિકિતા પાલ, આશ્રય જોશી, આર્યા ચાવડા, મીરા એરડા અને મનદીપ ગોહિલને સન્માનપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. આ અવસરે મંત્રીએ યુવાનો સાથે સાહજિક સંવાદ કર્યો હતો.
યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ સુશ્રી સિન્થિયા મેકકેફ્રીએ જણાવ્યું હતું કે, ભારતની શાળાઓમાં બાળકોનો લિંગ સમાનતા દર ઘણો સારો છે. તમે એ દેશના નાગરિકો છો કે જ્યાં યુવાનોની સૌથી વધુ વસ્તી છે. ભારતના ભવિષ્ય સમાન યુવાનોમાં ભારત સરકાર અને યુનિસેફ સંયુકત રોકાણ કરી રહ્યા છે.
આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ ઓફ ફિલ્ડ ઓફિસ પ્રશાંતા દાસ તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા.