સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડાએ કાળિયારનું મારણ કર્યું! અધિકારીઓ દોડતા થયા

એકતા નગર: કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતનું લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. જેની પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં આઠ કાળિયાર હરણના મૃતદેહો મળી આવતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું કે એક દીપડો ઉંચી ફેન્સ કુદીને ઘૂસી ગયો હતો અને એક કાળિયાર હરણનું મારણ (Leopard preyed Blackbuck)કર્યું હતું, જ્યારે અન્ય 7 કાળિયાર હરણ આઘાતથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના 1 જાન્યુઆરીની વહેલી સવારે બની હતી, ત્યારે બાદ સ્થાનિક વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
જંગલ સફારી પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનાવવામાં આવેલા વિવિધ આકર્ષણોમાં સૌથી લોકપ્રિય છે. તે શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે, જે દીપડાની વસ્તી ધરાવે છે.
દીપડો ફેન્સની કુદી ગયો:
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2 થી 3 વર્ષની વયનો દીપડો કેવડિયા ફોરેસ્ટ ડિવિઝનની સીમમાં આવેલા સફારી પાર્કની ફેન્સની કુદી ગયો હતો. દીપડો એન્ક્લોઝરમાં પ્રવેશી ગયો હતો, જ્યાં તેણે એક કાળિયાર પર હુમલો કર્યો અને મારી નાખ્યું. બાકીના સાત કાળિયાર હુમલા બાદ આઘાત અને ગભરાટના કારણે મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તમામ આઠ શબની પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેવડિયા વિભાગની દેખરેખ રાખતા અધિકારીએ જણાવ્યું કે આસપાસના જંગલોમાં દીપડાની હિલચાલ સામાન્ય છે, પરંતુ સફારી પાર્કમાં જંગલી દીપડો પ્રવેશવાની ઘટના પ્રથમવાર નોંધાઈ છે.
આ પણ વાંચો…વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર
પ્રવાસીઓની સુરક્ષા અંગે ચિંતા:
તેમણે ઉમેર્યું હતું કે 400 થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા પાર્કનું ચોવીસ કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને દીપડાની હાજરી લગભગ તરત જ શોધી કાઢવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા, અને તેમના કાર્યવાહીથી દીપડો ભાગી ગયો હતો. જો કે, હજુ સુધી તે જાણી શકાયું નથી કે દીપડો સફારી પાર્કમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી ગયો છે કે કેમ.
આ ઘટના બાદ પાર્કને અસ્થાયી રૂપે 48 કલાક માટે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે પાર્ક 3 જાન્યુઆરીના રોજ ફરી ખોલવામાં આવ્યો હતો, તેમ છતાં દીપડો પાછો ફરે એવો ભય છે.