SHOCKING: અમરેલીમાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો, ગામમાં ફફડાટ
અમરેલીઃ અમરેલીમાં જંગલી જાનવરનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ખાંભા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો હતો. ખાંભાના પચપચિયા ગામની સીમમાં ખેતરમાં દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને ઢસડીને ફાડી ખાધો હતો. બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, ત્યારે દીપડો અંધારાનો ફાયદો ઉઠાવીને ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને બાળકને દબોચી લઈને બાવળની ઝાડીમાં ખેંચી ગયો હતો અને શિકાર કર્યો હતો.
બાળકનો મૃતદેહ મળ્યા પછી પીએમ માટે ખસેડ્યો ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાં એક પરિવાર ઝૂંપડામાં સૂતો હતો. 10 વર્ષનો બાળક પરિવાર વચ્ચે સૂતો હતો. દરમિયાન દીપડો લપાતો છુપાતો આવી બાળકને ઢસડી 500 મીટર દૂર બાવળની ઝાડીઓ સુધી લઈ જઈ શિકાર કર્યો હતો. દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ખાંભા રેન્જ વનવિભાગને થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકના શરીરના હાથ, પગ સહિત કેટલાક અવશેષો મળતાં ખાંભા હોસ્પિટલમાં પી.એમ.માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતા.
Also read: અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા
વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી વન વિભાગને આ બનાવની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જઈ સર્ચ ઓપરેશન ચલાવીને દીપડાને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈ ગામ લોકો તથા સીમમાં રહેતા શ્રમિકોમાં ફફડાટ ફેલાયો હતો. થોડા દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર તાલુકાના બરડિયા ગામે 13 વર્ષની દીકરી પર સિંહણે હુમલો કરતા બાળકીનું મોત થયાની ઘટના બની હતી.